બેંગલુરુ: બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2023ની 41મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય મૂળના ન્યુઝીલેન્ડના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો છે. રવિન્દે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
રવિન્દ્રએ સચિનનો રેકોર્ડ તોડ્યોઃ સચિન તેંડુલકરે 1996ના ODI વર્લ્ડ કપની 7 મેચની 7 ઇનિંગ્સમાં 523 રન બનાવ્યા હતા. જ્યારે રચિન રવિન્દે વર્લ્ડ કપ 2023માં 8 મેચની 8 ઇનિંગ્સમાં 523 રન પૂરા કરીને સચિનના રેકોર્ડની બરાબરી કરી હતી. હવે રચિને શ્રીલંકા સામે તેની 9મી મેચમાં 1 રન બનાવીને સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. ઓડીઆઈ વર્લ્ડ કપ ઈતિહાસમાં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં રચિન હવે 6ઠ્ઠા નંબર પર આવી ગયો છે. રચિનનો આ પહેલો વર્લ્ડ કપ છે. તેણે વર્લ્ડ કપની ડેબ્યૂ મેચમાં જ ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. રચિને અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે જ્યારે તેના નામે 2 અડધી સદી પણ છે.