નવી દિલ્હી:વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં અમદાવાદની ફ્રેન્ચાઇઝી 'ગુજરાત જાયન્ટ્સ' તરીકે ઓળખાશે, જે અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની છે. અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ વિંગે બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી. અદાણી ગ્રૂપે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત હરાજીમાં રૂ. 1289 કરોડની સૌથી વધુ બોલી લગાવીને અમદાવાદની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. WPLની પ્રથમ સિઝન આ વર્ષે માર્ચમાં યોજાઈ શકે છે, ખેલાડીઓની હરાજી ફેબ્રુઆરીમાં થવાની સંભાવના છે.
અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે અને ક્રિકેટ લીગ મહિલાઓ માટે વધુ તકો ઊભી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગુજરાત જાયન્ટ્સ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી આગામી મહિલા પ્રીમિયર લીગમાં ટીમોના અદાણી સ્પોર્ટ્સલાઇન પરિવાર સાથે જોડાઈ છે. આ સિવાય UAEમાં ચાલી રહેલી ILT20માં ગલ્ફ જાયન્ટ્સ અને પ્રો કબડ્ડી લીગમાં 'ગુજરાત જાયન્ટ્સ' છે.
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન:તેણે કહ્યું, 'દેશમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે અને અદાણી સ્પોર્ટ્સલાઈન મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન સાથે જોડાવા માંગતી હતી. તેમણે કહ્યું, 'અમે તમામ સફળ બિડર્સને આ નવી શરૂઆત માટે શુભેચ્છા પાઠવીએ છીએ. વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ કરવા માટે BCCIને પણ અભિનંદન. ભારતીય ક્રિકેટ માટે આ એક મોટું પગલું છે અને તે ગેમ ચેન્જર સાબિત થશે.