ડબલિન: ભારતીય ક્રિકેટ ટીમમાં ODI ફોર્મેટમાં રમાનારી એશિયા કપ 2023 માટે પસંદગી થયા બાદ, ડાબોડી હાથના મધ્યમ ક્રમના બેટ્સમેન તિલક વર્માએ તેની પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે. તેને એવું લાગે છે કે, તેનું સ્વપ્ન સાકાર થયું છે. એક જ વર્ષમાં ટી-20 અને વન-ડે મેચમાં ડેબ્યૂ કરવાનો મોકો મળવો, એક મહિનાની અંદર તે મોટી વાત છે. ટીમ ઈન્ડિયાએ આ તક આપી છે અને તેઓ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. આ માટે તે પોતાનું પ્રદર્શન સુધારવા માટે વધુ મહેનત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
રોહિત શર્માના કર્યા વખાણઃતિલક વર્માએ પસંદગી બાદ BCCIના એક વિડિયોમાં કહ્યું કે, જ્યારથી તેણે આઈપીએલ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી તે રોહિત શર્માના સંપર્કમાં છે અને રોહિત શર્મા હંમેશા તેને પ્રેરિત કરે છે. જેના કારણે તેનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે. જ્યારે તે નિરાશ થાય છે અથવા સારું પ્રદર્શન કરી શકતો નથી ત્યારે તે સીધો રોહિત શર્મા પાસે જાય છે અને વાત કરે છે. રોહિતે તેને આઝાદી આપી છે કે તે ગમે ત્યારે તેની સાથે વાત કરી શકે છે. રોહિત શર્માએ તેને આઈપીએલમાં મદદ કરતી વખતે તેની રમતને નિખારવામાં મદદ કરી હતી.