નવી દિલ્હીઃ ચીનમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાનારી 19મી એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ જીતેશ શર્મા અને પ્રભસિમરન સિંહને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમની જાહેર કરાયેલી ટીમમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, શિખર ધવનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આઈપીએલ 2023 સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
એશિયન ગેમ્સની શરુઆત: ભારત પ્રથમ વખત એશિયન ગેમ્સમાં પોતાની ક્રિકેટ ટીમ મોકલી રહ્યું છે. એશિયન ગેમ્સમાં ત્રીજી વખત ક્રિકેટ ઈવેન્ટ રાખવામાં આવી છે. એશિયન ગેમ્સ (23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર)ની તારીખો ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર ICC ODI વર્લ્ડ કપ સાથે ટકરાશે. આવી સ્થિતિમાં ભારત આ ગેમ્સમાં ભાગ લેવા માટે પોતાની B ટીમ મોકલી રહ્યું છે.
ધવનની 15 સભ્યોની ટીમમાંથી બાદબાકી:એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, શિખર ધવન ભારતની આ ટીમની કપ્તાની સંભાળશે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ધવનને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ મળવાની હતી. પરંતુ કેપ્ટનશીપ છોડો, ધવનને 15 સભ્યોની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી.