હેડિંગ્લેઃઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ આજે તેની 100મી ટેસ્ટ મેચ રમશે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે હેડિંગ્લેના મેદાન પર ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ આજે આ મેચ રમવા માટે ઉતરશે ત્યારે તે આ કારનામું કરનાર 15મો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની જશે. લેગ સ્પિનર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર સ્ટીવ સ્મિથ માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે.
મેચ જીતીને યાદગાર બનાવવાનો પણ પ્રયાસ કરશે: સ્ટીવ સ્મિથ એશિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે, જે ગુરુવારથી હેડિંગ્લેમાં શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ મેચ જીતીને જ્યાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ બીજી સિરીઝ જીતવા માંગશે ત્યાં તેઓ આ ટેસ્ટ મેચને સ્ટીવ સ્મિથ માટે યાદગાર બનાવવાનો પણ પ્રયાસ કરશે.
100મી ટેસ્ટ મેચ પહેલા સ્ટીવ સ્મિથે કહ્યું - "મારી પાસે એવી રમત હતી, જેથી હું આ ખાસ સ્થાન હાંસલ કરી શકું." મારી અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. મેં મારી રમતના દરેક પાસાને માણ્યો છે. હું મારી 100મી ટેસ્ટ મેચ રમવા માટે ખૂબ ઉત્સુક છું.
ઈંગ્લેન્ડની ટીમમાં 3 બદલાવ:તમને જણાવી દઈએ કે, પ્રથમ 2 ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે આ શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ આ ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ચૂક્યા છે. એન્ડરસન, જોશ ટોંગ અને ઈજાગ્રસ્ત ખેલાડી ઓલી પોપ આ મેચમાં નથી, જ્યારે ક્રિસ વોક્સ, માર્ક વુડ અને મોઈન અલીને તેમની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓલી પોપની જગ્યાએ હેરી બ્રૂક્સ ત્રીજા નંબરે બેટિંગ કરશે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે, જેમ્સ એન્ડરસનને આરામ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
- T20 Tournament: વેસ્ટ ઈંડિઝ સામેની ટુર્નામેન્ટમાં હાર્દિક ફરી કેપ્ટન, કોહલી-રોહિત આઉટ
- Guinness World Records 2023: સાઇના નહેવાલને રોલ મોડલ બનાવી માત્ર 6 વર્ષની ઉંમરે મેળવ્યા 100થી વધુ મેડલ