- શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
- લસિથ મલિંગાએ ટ્વિટર પર ભાવુક પોસ્ટ મુકી કરી જાહેરાત
- મલિંગાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે વિકેટ લીધી હતી તે બતાવી છે
ન્યૂઝ ડેસ્કઃ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા શ્રીલંકાના સ્ટાર ઝડપી બોલર લસિથ મલિંગાએ મંગળવારે તેના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. કારણ કે, મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, મલિંગા ટેસ્ટ અને વન-ડેથી પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યો હતો. મલિંગાએ ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મેસેજ કરીને કરી હતી. તેણે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે વિકેટ લીધી હતી. તેને બતાવી છે.
આ પણ વાંચો-પાકિસ્તાની ક્રિકેટરોના પગારમાં 250 ટકાનો વધારો
હું યુવા પેઢીનું સતત સમર્થન અને માર્ગદર્શન કરતો રહીશઃ મલિંગા
મલિંગાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, રમત પ્રત્યે મારો પ્રેમ ક્યારેય પૂર્ણ નહીં થાય. મલિંગાએ કહ્યું હતું કે, છેલ્લા 17 વર્ષમાં મે જે અનુભવ મેળવ્યો છે. હવે મેદાનમાં તેની જરૂર નથી. કારણ કે, મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હું યુવા પેઢીનું સતત સમર્થન અને માર્ગદર્શન કરતો રહીશ, જે આ રમતમાં વધુ આગળ જવા માગે છે અને હું હંમેશા તે તમામ લોકોની સાથે રહીશ, જે રમતથી પ્રેમ કરે છે. હું એ તમામ લોકોનો આભારી છું, જેમણે મારી યાત્રા દરમિયાન મારું સમર્થન કર્યું અને આગામી વર્ષોમાં યુવા ક્રિકેટરો સાથે પોતાનો અનુભવ શેર કરવા માટે ઉત્સુક છું.
આ પણ વાંચો-ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શ્રેણી રમાવી અસંભવ: રમીઝ રાજા
મલિંગા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 વખત હેટ્રિક લેનારા મલિંગા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. તેણે 84 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 107 વિકેટ ઝડપી છે. જ્યારે 38 વર્ષના મલિંગાએ આઈપીએલમાં 170 વિકેટ લીધી છે. આપને જણાવી દઈએ કે, ઝડપી બોલરે પોતાની છેલ્લી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે માર્ચ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.
આ પહેલા જ મલિંગાએ વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો