નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની શરમજનક હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં લાંબી રજાઓ પર છે. આ પછી ટીમ ઈન્ડિયાએ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસ પર જવાનું છે. જ્યાં તે 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમશે. સૂત્રોનું માનીએ તો BCCI આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત 27 જૂને કરશે. અહેવાલ છે કે આ પ્રવાસ માટે ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. બીજી તરફ ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યરને આ પ્રવાસ માટે ટીમની બહાર રાખવામાં આવશે.
સિનિયર ખેલાડીઓને મળશે આરામ:વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવી શકે છે. જો કે એવું પણ થઈ શકે છે કે રોહિત અને વિરાટ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચમાં રમે. તેને બાકીની ODI અને T20 શ્રેણીમાં આરામ મળી શકે છે. પરંતુ ઝડપી બોલર શમી અને સિરાજને આ સમગ્ર પ્રવાસ માટે આરામ આપવામાં આવી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોહિતની ગેરહાજરીમાં અજિંક્ય રહાણેને ટેસ્ટ અને હાર્દિક પંડ્યાને વનડે અને ટી-20 સિરીઝ માટે કપ્તાની સોંપવામાં આવી શકે છે.