રાયપુર:ભારતીય બેટ્સમેન રિંકુ સિંહે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન T20 શ્રેણીમાં દબાણમાં પણ શાંત રહીને પોતાની ભૂમિકા સારી રીતે નિભાવ્યો હતો. ચોથી મેચમાં રિંકુ સિંહે 29 બોલમાં 46 રન બનાવ્યા હતા જ્યારે IND Vs AUS સિરીઝમાં પ્રથમ રમત રમી રહેલા જીતેશ શર્માએ 19 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ સાથે ભારતે પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 174 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે 154 રન સુધી મર્યાદિત કરી પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી હતી.
જીતેશ શર્મા દબાણમાં હતોઃ શુક્રવારે અહીં ભારતની 20 રનની જીત બાદ રિંકુએ BCCI ટીવી પર જીતેશ શર્માને કહ્યું, "હું લાંબા સમયથી રમી રહ્યો છું. હું છેલ્લા 5-6 વર્ષથી IPLમાં રમી રહ્યો છું, તેથી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું મારી જાત પર વિશ્વાસ કરું છું અને શાંત રહેવાનો પ્રયત્ન કરું છું." જીતેશે કબૂલ્યું હતું કે જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તે ખૂબ જ દબાણમાં હતો. તેણે કહ્યું, "એવું નહોતું લાગતું કે આ તારી (રિંકુ) પ્રથમ સિરીઝ છે. જ્યારે હું બેટિંગ કરવા આવ્યો ત્યારે હું ખૂબ દબાણમાં હતો પરંતુ તમે ખૂબ જ શાંત હતા અને સરળતાથી શોટ ફટકારી રહ્યા હતા."