નવી દિલ્હી:સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું આયોજન પાકિસ્તાનને બદલે અન્ય કોઈ જગ્યાએ થઈ શકે છે. BCCI એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા માંગતું નથી. જેના કારણે એશિયા કપનું આયોજન પાકિસ્તાનની બહાર થઈ શકે છે. એશિયા કપને લઈને 4 ફેબ્રુઆરીએ એશિયા ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થળ બદલવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, પરંતુ હવે માર્ચમાં ફરીથી બેઠક યોજાશે.
બહેરીનમાં બેઠક: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એશિયા ક્રિકેટ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે બહેરીનમાં છે. આ બેઠક પીસીબીના ચેરમેન નઝમ સેઠીના રજૂઆત પર બોલાવવામાં આવી છે, જેમાં પાકિસ્તાનના એશિયા કપના આયોજનના અધિકાર અંગે નિર્ણય લેવામાં આવશે.
બેઠકમાં લેવામાં આવશે નિર્ણય:એશિયા કપને અન્ય દેશમાં શિફ્ટ કરવાનો નિર્ણય માર્ચમાં યોજાનારી ACCની બેઠકમાં લેવામાં આવશે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયા કપને અન્ય કોઈ દેશમાં ન શિફ્ટ કરવાની વાત કરી હતી. પરંતુ એશિયા ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહ પોતાની વાત પર અડગ રહ્યા. આ બેઠક બાદ સ્પષ્ટ છે કે એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવાનું નિશ્ચિત છે.
એશિયા કપ UAE અથવા શ્રીલંકામાં યોજાઈ શકે: એશિયા કપ 2023ને લઈને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની ઈમરજન્સી બેઠક બહેરીનમાં યોજાઈ હતી. આ બેઠક પાકિસ્તાનની માંગ પર બોલાવવામાં આવી હતી. બેઠકમાં એશિયા કપ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જય શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સ્પષ્ટ થઈ ગયું છે કે એશિયા કપ પાકિસ્તાનની બહાર થશે, જેનો નિર્ણય માર્ચમાં યોજાનારી આગામી બેઠકમાં લેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે એશિયા કપ UAE અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે.