નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. BCCIએ ટેસ્ટ મેચ રમી રહેલી ટીમમાંથી ચેતેશ્વર પૂજારાનું કાર્ડ ક્લિયર કરી દીધું છે. તેમની જગ્યાએ યુવા બેટ્સમેનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને તક મળી છે. આ સાથે બોલર તરીકે મુકેશ કુમાર અને નવદીપ સૈની જેવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ટીમના મોટાભાગના ખેલાડીઓ એવા જ છે, જેઓ WTC ફાઇનલમાં રમી રહેલી ટીમ સાથે જોડાયેલા હતા.
રોહિત શર્મા બંને ફોર્મેટમાં કેપ્ટનશિપ કરશે: ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, રોહિત શર્મા ટેસ્ટની સાથે સાથે વનડે શ્રેણીમાં પણ રમશે અને બંને ફોર્મેટમાં કેપ્ટનશિપ કરશે. ટેસ્ટ મેચોમાં રોહિતની સાથે અજિંક્ય રહાણેને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે હાર્દિક પંડ્યા વનડેમાં વાઇસ કેપ્ટનશિપની જવાબદારી સંભાળશે. આ સાથે એ પણ સંકેત મળી રહ્યો છે કે રોહિતની ટીમમાંથી હટ્યા બાદ ટીમની કમાન કોને સોંપવામાં આવી શકે છે.