કોલંબોઃભારતે રવિવારે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલ એશિયા કપ 2023ની ફાઈનલ જીતીને રેકોર્ડ 8મી વખત ખિતાબ જીત્યો હતો. મોહમ્મદ સિરાજની 6 વિકેટને કારણે ભારતે T-20 કરતાં પણ ઓછા સમયમાં આ ODI મેચ જીતી લીધી હતી. સિરાજની બોલિંગનો જાદુ એવો હતો કે, શ્રીલંકાની આખી ટીમ માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી. સિરાજે પોતાની બોલિંગથી માત્ર કરોડો લોકોના દિલ જ નહીં જીત્યા, તેણે પોતાના વ્યક્તિત્વથી કરોડો ભારતીયોના દિલ પણ જીતી લીધા હતા.
ઈનામની રકમ ગ્રાઉન્ડસ સ્ટાફને સમર્પિત: વાસ્તવમાં થયું એવું કે, સિરાજને તેની મેચ વિનિંગ બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. સિરાજ માટે પ્લેયર ઓફ ધ મેચની ઈનામી રકમની જાહેરાત થતાં જ સિરાજે તે રકમ પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને સમર્પિત કરી દીધી. તેણે ગ્રાઉન્ડ સ્ટાફને US $ 5,000 (ભારતીય ચલણમાં 4.515 લાખ રૂપિયા)ની રકમ સમર્પિત કરી અને કહ્યું કે, હું ગ્રાઉન્ડસ સ્ટાફને આ રોકડ પુરસ્કાર આપવા માંગુ છું. તે જ તેને લાયક છે. જો તેઓ ન હોત તો આ ટુર્નામેન્ટ સફળ ન થઈ હોત
સિરાજને અભિનંદન પાઠવ્યાઃ સિરાજના આ પગલાએ તેની ઉદારતા બતાવીને કરોડો ભારતીયોને પ્રભાવિત કર્યા છે, જ્યારે ક્રિકેટ ચાહકો અને દેશવાસીઓ પણ સિરાજના આ પગલાના વખાણ કરવામાં અચકાયા નથી. કરોડો ભારતીયોએ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સિરાજને અભિનંદન પાઠવ્યા હતા.
જય શાહે પણ જાહેરાત કરી:આ પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે પણ રવિવારે ગ્રાઉન્ડ સ્ટાફને તેમની સેવાઓ બદલ ઈનામી રકમ આપવાની જાહેરાત કરી હતી.