જોધપુર: શુક્રવારે રાત્રે બરકતુલ્લા સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legend League Cricket) ની પ્રથમ મેચમાં ભીલવાડા કિંગ્સે ગુજરાત જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવીને મેચ જીતી લીધી હતી. ભીલવાડા કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટ્સે ભીલવાડા કિંગને મેચ જીતવા માટે 20 ઓવરમાં 187 રનનો ટાર્ગેટ (Legend League Cricket in Jodhpur) આપ્યો હતો.
ગેલ અને યશપાલ શર્મા: ગુજરાત જાયન્ટ્સના ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલે જ્વલંત ઇનિંગ્સ રમતા 23 બોલમાં અડધી સદી ફટકારી હતી. ગેલ 40 બોલમાં 3 સિક્સ અને 9 ફોરની મદદથી 68 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે મિડલ ઓર્ડર બેટ્સમેન યશપાલ સિંહે પણ 37 બોલમાં 6 ફોર અને 2 ફોરની મદદથી 58 રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે બે ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ, જ્યારે એસ શ્રીસન્સ, સુદીપ ત્યાગી, જેસલ કારિયા અને શેન વોટસનને 1-1 વિકેટ મળી હતી. બંને બેટ્સમેનોની અડધી સદીના કારણે ગુજરાત જાયન્ટ્સે ભીલવાડા કિંગને મેચ જીતવા માટે 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભીલવાડા કિંગ: ગુજરાત જાયન્ટ્સના 187 રનના લક્ષ્યનો પીછો કરતા ભીલવાડા કિંગના ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. ભીલવાડા કિંગના ઓપનર વિલિયમ પોર્ટરફિલ્ડે 37 બોલમાં 40 રન અને મોર્ને વાન વાયકોએ 16 બોલમાં 26 રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. જે બાદ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલા યુસુફ પઠાણ અને જેસલ કારિયાએ 39-39 રનની આક્રમક ઈનિંગ્સ રમી અને ટીમને જીતની નજીક લઈ ગયા હતા. છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવેલા કેપ્ટન ઈરફાન પઠાણે 14 બોલમાં 1 સિક્સર અને 2 રનની મદદથી 26 રન ફટકારીને ટીમને 2 બોલ બાકી રહેતા મેચ જીત અપાવી હતી. ગુજરાત જાયન્ટ્સ તરફથી ગ્રીમ સ્વાને સૌથી વધુ વિકેટ લીધી હતી. ગ્રીમ સ્વાને ત્રણ ઓવરમાં 21 રન આપી બે બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 39 રન અને બે વિકેટ લેનાર યુસુફ પઠાણને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.