- હર્ષલ પટેલ IPLમાં હેટ્રિક લેનાર 17મો બોલર બની ગયો છે
- RCBના હર્ષલ પટેલે IPLના ઈતિહાસની 20મી હેટ્રિક લીધી
- મુંબઈના મિડલ ઓર્ડરનો ધબડકો
- વિરાટ કોહલીએ T-20 ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા
દુબઈ : IPL ફેઝ-2માં રવિવારે રમાયેલી ડબલ હેડરની બીજી મેચમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને 54 રનથી હરાવ્યું છે. RCBએ ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 165 રનનો સ્કોર કર્યો હતો. જેને ચેઝ કરવા ઉતરેલી મુંબઈની ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ જતા, વિરાટ સેનાની એકતરફી મેચમાં જીત થઈ હતી. 17મી ઓવરમાં હર્ષલ પટેલે હેટ્રિક લઈને મુંબઈના બેટિંગ ઓર્ડરની કમર જ તોડી નાખી હતી. મેચમાં મળેલી જીત સાથે RCB 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા નંબર પર પહોંચી ગઈ છે. જ્યારે આ મેચ હારી જતા મુંબઈ 7મા નંબર પર છે.
ગ્લેન મેક્સવેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન
હર્ષલ પટેલની હેટ્રિક (4/17) અને ગ્લેન મેક્સવેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન (56 રન, બે વિકેટ) ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-2021ની 39મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 54 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં પોતાની છઠ્ઠી જીત મેળવી છે. આ સાથે યૂએઈની ધરતી પર સતત સાત હાર બાદ વિરાટ કોહલીની ટીમે જીતનો સ્વાદ ચાખ્યો છે. આ જીત સાથે બેંગલોરની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ 8 પોઈન્ટ સાથે ટેબલમાં સાતમાં સ્થાને છે. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો : છેલ્લે સુધી અણનમ રહેલો સંજૂ સેમસન પણ ન અપાવી શક્યો જીત, દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાનનો પરાજય
હર્ષલની યાદગાર હેટ્રિક
મેચમાં RCBના બોલર હર્ષલ પટેલે 17મી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને 3 બોલમાં 3 વિકેટ લીધી હતી. તેણે હાર્દિક, પોલાર્ડ અને રાહુલને પેવેલિયન ભેગા કરીને IPLના ઈતિહાસની 20મી હેટ્રિક લીધી હતી. હર્ષલ પટેલ IPLમાં હેટ્રિક લેનાર 17મો બોલર છે. તેની પહેલા અમિત મિશ્રાએ 3 અને યુવરાજ સિંહે 2 હેટ્રિક લીધી છે, જ્યારે અન્ય બોલર્સે 1-1 હેટ્રિક લીધી છે.