નવી દિલ્હી :IPLની 16મી સિઝનમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓએ તમામ ટીમોને અસર કરી છે. ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પણ આ મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. RCBએ ગુરુવારે ઈજાગ્રસ્ત ખેલાડીઓ રીસ ટોપલી અને રજત પાટીદારના સ્થાનની જાહેરાત કરી છે. આરસીબીએ આ બંનેની જગ્યાએ ડોમેસ્ટિક મેચોમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરતા દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વેઈન પાર્નેલ અને બોલર વૈશાક વિજય કુમારનો સમાવેશ કર્યો છે.
વેઇન પાર્નેલ રીસ ટોપલીનું સ્થાન લેશે :RCB ફાસ્ટ બોલર રીસ ટોપલીને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે આઈપીએલની 16મી સિઝનની શરૂઆતની મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તે IPL-2023માંથી બહાર થઈ ગયા હતા. આરસીબીએ ટોપલીની જગ્યાએ વેઈન પાર્નેલને સામેલ કરવાની જાહેરાત કરી છે. પાર્નેલની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 6 ટેસ્ટ અને 73 ODI ઉપરાંત 56 T20 મેચોમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને તેના નામે 59 T20 વિકેટ છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે 26 આઈપીએલ મેચ રમી છે અને ઘણી વિકેટો પણ લીધી છે. પાર્નેલ 75 લાખ રૂપિયામાં RCB સાથે જોડાયો છે.