નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના લીગ રાઉન્ડમાં થોડીક જ મેચો બાકી છે. આ પછી પ્લે ઓફ મેચો રમાશે. IPLની 16મી સિઝનની 65મી મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના ઘરઆંગણે હરાવ્યું છે. 8 વિકેટની જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લે-ઓફમાં જવાની શક્યતાઓ અકબંધ છે. પોતાની છેલ્લી મેચ જીતતાની સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લી 4 ટીમોમાં સામેલ થઈ જશે અને પ્લે-ઓફમાં જશે. આ સાથે જ ઓરેન્જ કેપની રેસમાં ફાફ ડુ પ્લેસિસ પાછળ છોડવો મુશ્કેલ છે. જ્યારે પર્પલ કેપમાં ઘણા ખેલાડીઓ વચ્ચે રેસ ચાલુ રહેશે.
ફાફ ડુ પ્લેસિસ 700 રન બનાવનાર પ્રથમ ખેલાડી:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુકાની ફાફ ડુ પ્લેસિસ અને કોહલીની શાનદાર ઇનિંગ્સના કારણે RCBએ માત્ર મેચ જ જીતી નહીં પરંતુ પોઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન પણ મેળવ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે હેનરિક ક્લાસને 104 રનની જ્વલંત ઇનિંગ્સ રમી હતી, ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ઓપનર વિરાટ કોહલીએ જવાબ આપ્યો હતો અને 100 રન બનાવીને ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. આ સદીની ઇનિંગ્સ સાથે કોહલી ઓરેન્જ કેપની રેસમાં ચોથા સ્થાને આવી ગયો છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ આ સિઝનમાં 71 રનની ઇનિંગ રમીને 700 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.