અમદાવાદઃ જેમ જેમ IPL 2023 આગળ વધી રહ્યું છે, તેમ તેનો ઉત્સાહ પણ વધવા લાગ્યો છે. દરેક મેચ સાથે પોઈન્ટ ટેબલમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. શનિવારે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ IPLના અલ ક્લાસિકોમાં વાનખેડે સ્ટેડિયમમાં ટકરાયા હતા, જેમાં એમએસ ધોનીની આગેવાની હેઠળના CSKએ મુંબઈને સરળતાથી હરાવ્યું હતું. જોકે, આ જીત છતાં રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર યથાવત છે. કુલ 5 ટીમોના સમાન 4 પોઈન્ટ છે.
આ પણ વાંચોઃGT vs KKR: આ હોઈ શકે છે ગુજરાત અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી
દિલ્હીની આ સતત ત્રીજી હારઃ IPL 2023માં શનિવારે ડબલ હેડર રમાઈ હતી. દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. આ મેચ રાજસ્થાન રોયલ્સે 57 રને જીતી હતી. આ સિઝનમાં દિલ્હીની આ સતત ત્રીજી હાર હતી. આ સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને આવી ગયું છે. આ સાથે જ ત્રીજી મેચમાં રાજસ્થાનની આ બીજી જીત હતી અને આ સાથે ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ હતી. બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ મેચ હાર્યા બાદ ચેન્નાઈની આ સતત બીજી જીત હતી. પરંતુ, આ જીત બાદ પણ ચેન્નાઈની ટીમ રાજસ્થાનને પાછળ છોડીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી શકી નથી.