- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઑવલમાં ચોથી ટેસ્ટ મેચ
- ભારતે પહેલી ઇનિંગમાં 191 રન બનાવ્યા છે
- ઇંગ્લેન્ડનો પહેલી ઇનિંગનો સ્કોર 139/5
- બેયરસ્ટો (34) અને ઑલી પોપ (38) રમતમાં
લંડન: ક્રિસ વૉક્સ (4/55)ની શાનદાર બોલિંગના જોરે ઇંગ્લેન્ડે ઑવલમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પહેલા દિવસ ગુરૂવારના ભારતને પહેલી ઇનિંગમાં 191 રન પર ઑલઆઉટ કરી દીધું હતું. ઇંગ્લેન્ડે દિવસના અંતે પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 53 રન બનાવ્યા હતા. ત્યારબાદ આજે ઇંગ્લેન્ડે 53 રનના સ્કોરે ઑવરટોન અને 62 રનના સ્કોર પર ડેવિડ મલાનની વિકેટ ગુમાવી. જો કે ત્યારબાદ ઑલી પોપ અને જોની બેયરસ્ટોની જોડીએ ઇંગ્લેન્ડની બાજી સંભાળી અને ટીમનો સ્કોર લંચ બ્રેક સુધી 139/5 પર પહોંચાડ્યો. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ઑલી પોપ 38 અને જોની બેયરસ્ટો 34 રને રમતમાં છે.
ઉમેશ યાદવની શાનદાર બૉલિંગ
બીજા દિવસની બંને વિકેટ ઉમેશ યાદવના નામે રહી. ઉમેશ યાદવે 3 વિકેટ અને જસપ્રીત બુમરાહે 2 વિકેટ ઝડપી છે. ભારતને પહેલી ઇનિંગમાં સસ્તામાં ઑલઆઉટ કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી નહીં અને તેણે 6 રનના સ્કોર પર રોરી બર્ન્સ (5) અને હસીબ હમીદ (0)ની વિકેટ ગુમાવી. ત્યારબાદ ઉમેશ યાદવે જો રૂટને બોલ્ડ કરીને ઇંગ્લેન્ડને ત્રીજો ઝાટકો અપાવ્યો. રૂટે 25 બૉલમાં 4 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા.