- કોરોનાના ઓછાયા વચ્ચે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચ રદ
- ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ ફરીથી રમાઈ શકે છે
- BCCI અને ECB 5મી ટેસ્ટ મેચ ફરી યોજાય તે દિશામાં કરી રહ્યા છે કામ
માન્ચેસ્ટર: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહેલી પાંચમી ટેસ્ટને રદ્દ કરી દેવામાં આવી છે. આવામાં BCCIએ એક સત્તાવાર નિવેદન દ્વારા એ સ્પષ્ટ કરી દીધું છે કે બંને ટીમોની વચ્ચે અંતિમ અને નિર્ણાયક મેચ માટેનો રસ્તો શોધવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતે લંડનના ધ ઑવલમાં રમાયેલી ચોથી મેચ 257 રને જીતવાની સાથે જ 2-1થી સિરીઝમાં સરસાઈ મેળવી લીધી છે.
BCCIએ 5મી ટેસ્ટ મેચ રીશિડ્યુલ કરવાની ઑફર કરી
BCCI તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, BCCIએ ECBની સાથે સંયુક્ત રીતે ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ-2021ની માન્ચેસ્ટરમાં થનારી પાંચમી ટેસ્ટ મેચને રદ કરવાનો નિર્ણય લીધો છે. BCCIએ રદ કરવામાં આવેલી પાંચમી ટેસ્ટ મેચને રીશિડ્યુલ કરવાની ઑફર કરી છે. બંને બૉર્ડ આ ટેસ્ટ મેચને ફરીથી શિડ્યુલ કરવા માટે વિન્ડો શોધવાની દિશામાં કામ કરશે.
ખેલાડીઓની સલામતી સર્વોપરી: BCCI
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, BCCIએ હંમેશા કહ્યું છે, ખેલાડીઓની સલામતી અને સુખાકારી સર્વોપરી છે. BCCI આ મુશ્કેલ સમયમાં સહયોગ અને સમજ માટે ECBનો આભાર માનવા ઇચ્છે છે. એક રોમાંચક સિરીઝને પૂર્ણ ના કરી શકવાના કારણે અમે પ્રશંસકોની માફી માંગવા ઇચ્છીએ છીએ.
ખેલાડીઓ જોખમ લેવા માંગતા નહોતા
ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે શુક્રવારના થનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થવાના કેટલાક કલાક પહેલા જ રદ્દ કરી દેવામાં આવી હતી. ભારતીય કૉચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર બાદ સહાયક ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારતીય ટીમમાં વધતા કોરોના કેસોને લઇને BCCI અને ECB વચ્ચે ચર્ચા થઈ હતી. 2 દિવસમાં BCCI અને ટીમ મેનેજમેન્ટની વચ્ચે થયેલી વાતચીતમાં ભારતના એકથી વધુ ખેલાડીઓએ મેદાનમાં ઉતરવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ખેલાડીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ આગળ ટેસ્ટ પોઝિટિવ આવવા પર ખેલાડીઓ 10 દિવસ સુધી આઇસોલેશનમાં રહેવાનું જોખમ લેવા માંગતા ન હતા.
વધુ વાંચો: IND vs ENG 5Th Test Match: ભારત ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટ રદ્દ
વધુ વાંચો: ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ,આજે ઈંગ્લેન્ડ સાથે 5 મી ટેસ્ટ મેચ