બેંગાલુરૂઃ ફખર જમાન અને સલમાન આગા ઈજામાંથી બહાર આવી સંપૂર્ણ સ્વસ્થ થાય અને રમત રમી શકે તે માટે પાકિસ્તાને રાહ જોવી પડશે. બેંગાલુરુમાં ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની મેચમાં પાકિસ્તાન તરફથી આ બે ખેલાડીઓ ભાગ લઈ શકશે નહીં.
વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવી દીધા હતા. જો કે પાકિસ્તાનના મુખ્ય હરિફ ગણાતા ભારત સામે પાકિસ્તાને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. હવે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં પણ ટીમ સિલેક્શન કમિટિ સામે મુંઝવણ આવી પડી છે. પાકિસ્તાનના બે ખેલાડીઓ ફખર જમાન ઘુંટણની ઈજાને લીધે અને સલમાન આગા તાવને કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી નહીં શકે.
પાકિસ્તાન મીડિયા મેનેજરે ગુરુવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ફખર જમાનને ઘુંટણમાં થયેલ ઈજાની સારવાર ચાલી રહ્યું છે. જમાન આવતા અઠવાડિયે પસંદગી માટે તૈયાર થઈ શકે છે.
નિવેદનમાં જણાવાયું કે, ટ્રેનિંગ સેશન બાદ સલમાન અલી આગાને તાવ આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે. 15 ખેલાડીઓની મુખ્ય ટીમના બાકી દરેક ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી રહ્યા છે.
ફખર જમાને ટૂર્નામેન્ટમાં નેધરલેન્ડ વિરુદ્ધ માત્ર એક જ મેચ રમી છે. જમાને માત્ર 12 રન બનાવ્યા હતા. જમાનની ગેરહાજરીમાં અબ્દુલ્લા શફિક ઈનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે જેણે હૈદરાબાદમાં શ્રીલંકા વિરુદ્ધ મેચમાં શાનદાર સદી નોંધાવી હતી.
તેમજ શાદાબ ખાન અને મોહમ્મદ નવાજ જેવા હરફન મૌલા ખેલાડીઓને પરિણામે સલમાન આગા થોડો હાંસિયામાં આવી ગયો છે. જો ટીમ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લે તો પસંદગી કમિટિ સલમાન આગાને તક આપવા માટે વિચાર કરી શકે છે.
- World Cup 2023 IND vs BAN : ભારતે બાંગ્લાદેશને 256 રનમાં રોક્યું, બુમરાહ-સિરાજ-જાડેજાએ 2-2 વિકેટ લીધી
- World Cup 2023 : મુશ્ફિકુર રહીમના પિતા મહેબૂબ હબીબે કહ્યું, બાંગ્લાદેશ ભારતને હરાવી દેશે