નવી દિલ્હી:એશિયા કપ 2023ની ફાઇનલ મેચ, ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ પહેલીવાર નથી જ્યારે ભારત અને શ્રીલંકા એશિયા કપની ફાઇનલમાં આમને-સામને હશે. આ બંને ટીમ એશિયા કપની ફાઇનલમાં અત્યાર સુધીમાં 8 વખત સામસામે આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન ભારતે શ્રીલંકાને 5 વખત હરાવ્યું છે જ્યારે શ્રીલંકા માત્ર 3 વખત જ ભારત પાસેથી એશિયા કપ ફાઇનલમાં જીતવામાં સફળ રહ્યું છે. તો, ભારત અને શ્રીલંકા વચ્ચેની આ ફાઈનલ મેચ પહેલા, ચાલો જાણીએ આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની એશિયા કપની ફાઈનલ મેચોના ઈતિહાસ વિશે.
ફાઇનલમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટક્કરઃ એશિયા કપની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. ત્યાર બાદ ભારત અને શ્રીલંકા પહેલીવાર એશિયા કપની ફાઈનલ રમ્યા હતા. આ પછી, તેઓ 1988, 1991, 1995, 1997, 2004, 2008 અને 2010માં એકબીજા સાથે એશિયા કપની ફાઈનલ રમ્યા હતા. હવે આ બંને ટીમો 9મી વખત એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં એકબીજા સામે રમવા જઈ રહી છે. એશિયા કપની ફાઈનલ મેચોની વાત કરીએ તો શ્રીલંકા પર ભારતનો હંમેશા દબદબો રહ્યો છે.