નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ પ્રવાસની શરૂઆત 3 મેચની T20 શ્રેણીથી થશે. આ શ્રેણીમાં સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. આ સિરીઝની પહેલી મેચ 10 ડિસેમ્બર, બીજી મેચ 12 ડિસેમ્બર અને ત્રીજી મેચ 14 ડિસેમ્બરે રમાશે. તો આ સીરીઝ પહેલા અમે તમને બંને ટીમોના T20ના આંકડાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ભારત અને દક્ષિણ આફ્રિકાના T20 આંકડાઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2006થી અત્યાર સુધી કુલ 24 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતીય ટીમે આફ્રિકન ટીમને 13 મેચમાં હરાવ્યું છે. આ સાથે ભારતને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને ટીમો વચ્ચે એક મેચ અનિર્ણિત રહી છે. ગયા વર્ષે 2022માં આ બંને ટીમો વચ્ચે 9 મેચ રમાઈ હતી, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 4 મેચ જીતી હતી જ્યારે ભારતે પણ 4 મેચ જીતી હતી. જ્યારે આ બંને વચ્ચેની મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.
પ્રથમ T20 મેચ 10 ડિસેમ્બરે રમાશે: જો આ બંને વચ્ચેની છેલ્લી મેચોની વાત કરીએ તો બંને વખત દક્ષિણ આફ્રિકા જીત્યું છે. ભારતને સૌપ્રથમ 4 ઓક્ટોબર 2022ના રોજ દક્ષિણ આફ્રિકાએ 49 રનથી હરાવ્યું હતું અને ત્યારબાદ 30 ઓક્ટોબર 2022ના રોજ દક્ષિણ આફ્રિકાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા આ હારનો બદલો લેવા માંગશે. વર્ષ 2023માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ પ્રથમ T20 મેચ 10 ડિસેમ્બરે રમાશે.