- એડિલેડની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ભારતીય ટીમ 36 રનમાં ધ્વસ્ત થઈ હતી
- ઑસ્ટ્રેલિયાને ઘરઆંગણે જ હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી યથાવત રાખી
- 33 વર્ષ બાદ ભારતે ગાબાનાં સ્ટેડિયમ પર ઑસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી
હૈદરાબાદ: ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને હિન્દીમાં અભિનંદન પાઠવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ પીટરસને ટ્વિટ કર્યું કે, "આ ઐતિહાસિક જીતની ઉજવણી કરો, કારણ કે તમે બધા અવરોધોનો સામનો કરીને જીત મેળવી છે. પરંતુ ટીમ ઇંગ્લેન્ડ થોડા જ અઠવાડિયાઓમાં આવી રહી છે, જેને તમારે તમારા ઘરઆંગણે હરાવવી પડશે. સાવચેત રહો, બે અઠવાડિયામાં વધારે ઉજવણી કરવાને બદલે સાવચેત રહો."
ઈજાગ્રસ્ત ખેલાડીઓ હોવા છતાં ભારતીય ટીમે 32 વર્ષ અને 2 મહિના બાદ રેકોર્ડ સર્જ્યો
બ્રિસ્બેનનાં ગાબા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ત્રણ વિકેટે જીતીને ઇતિહાસ રચ્યો છે. કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા છતાં ભારતીય ટીમે 32 વર્ષ અને 2 મહિના બાદ જીતીને ઈતિહાસ રચ્યો છે. એડિલેડમાં પહેલી ટેસ્ટ હાર્યા બાદ ભારતે જબરદસ્ત કમબેક કર્યું હતું અને ઑસ્ટ્રેલિયાને ઘરઆંગણે જ સતત બીજી શ્રેણીમાં 2-1થી હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે યથાવત રાખી હતી.
આ અગાઉ 1988માં વેસ્ટ ઈન્ડીઝે ઑસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવી હતી
ઑસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનનાં ગાબા ગ્રાઉન્ડ પર અત્યાર સુધી 56 ટેસ્ટ મેચ રમી છે, જે પૈકી 33માં જીત મેળવી છે અને ૧ મેચ ડ્રો રહી હતી. તેમજ માત્ર 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ અગાઉ ગાબા સ્ટેડિયમ ખાતે 33 વર્ષ પહેલા નવેમ્બર 1988માં વિવ રિચર્ડ્સનાં નેતૃત્વ હેઠળ વેસ્ટ ઈન્ડીઝે ઑસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવી હતી. ત્યારબાદથી તેઓ આ મેદાન પર અજેય રહ્યાં હતા. એ હારનાં 33 વર્ષ બાદ ભારતે ગાબાનાં સ્ટેડિયમ પર ઑસ્ટ્રેલિયાને ધૂળ ચટાવી છે.
ભારતીય ક્રિકેટ ટીમ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન પર પહોંચી
ભારતે આ અગાઉ ગાબા ગ્રાઉન્ડ પર એક પણ વિજય મેળવ્યો ન હતો, મંગળવારે ત્રણ વિકેટથી વિજય મેળવ્યા બાદ આ ગ્રાઉન્ડ પર ભારતીય ક્રિકેટ ટીમની અત્યાર સુધીની પ્રથમ જીત છે. આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમ ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે. જણાવી દઇએ કે, ઑસ્ટ્રેલિયા એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી. આ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ભારતીય ટીમ 36 રનમાં ધ્વસ્ત થઈ ગઈ હતી. જ્યારબાદ, અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ, ટીમે મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીતી હતી અને સિડની ખાતેની મેચ ડ્રો કરી હતી. આ પછી, બ્રિસ્બેન ખાતેની નિર્ણાયક ટેસ્ટ મેચ ત્રણ વિકેટથી જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી.