કોલંબો:ભારત A અને પાકિસ્તાન A વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ઇમર્જિંગ એશિયા કપ 2023ની ફાઇનલમાં પાકિસ્તાન A એ ભારત A ને 128 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતના કેપ્ટન યશ ધુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 352 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ ભારત A ના દાવને 40 ઓવરમાં માત્ર 224 રનમાં સમેટીને 128 રનથી જીત મેળવી હતી.
પાકિસ્તાનની મોટી જીત:પાકિસ્તાને ફાઇનલમાં ભારતને 128 રને હરાવીને ઇમર્જિંગ એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 353 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 40 ઓવરમાં માત્ર 224 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
50 ઓવરમાં પાકિસ્તાન A નો સ્કોર:ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A એ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 352 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન માટે તૈયબ તાહિરે 71 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે ઓપનર સૈમ અયુબ (59) અને સાહિબજાદા ફરહાન (65)એ પણ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી ઝડપી બોલર આરએસ હંગરગેકર અને લેગ સ્પિનર રિયાન પરાગે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી. ઇમર્જિંગ એશિયા કપ ટાઇટલ જીતવા માટે ભારતને 50 ઓવરમાં 353 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરવો પડશે.