ગુવાહાટીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની સિરીઝની ત્રીજી મેચ આજે રમાશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પહેલાથી જ ઓસ્ટ્રેલિયા પર 2-0ની સરસાઈ મેળવી ચૂકી છે અને તે શ્રેણી જીતવાથી માત્ર એક મેચ દૂર છે. રવિવાર, 26 નવેમ્બરે ત્રિવેન્દ્રમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યુ હતું.
બીજી T20માં ભારતનો 44 રને વિજય: બીજી T20માં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટના નુકસાન પર 235 રન બનાવ્યા અને T20માં તેનો પાંચમો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો. યશસ્વી જયસ્વાલે 24 બોલમાં અડધી સદી ફટકારીને સ્ટેજ સેટ કર્યો હતો. જે બાદ ઈશાન કિશન અને રૂતુરાજ ગાયકવાડે અડધી સદી ફટકારી હતી. આ પછી રિંકુ સિંહની 9 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ અંતમાં શાનદાર રહી હતી. સીન એબોટે ત્રણ ઓવરમાં 56 રન આપ્યા હતા. તેના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા નવ વિકેટે 191 રન જ બનાવી શક્યું અને મેચ હારી ગયુ હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા સામ સામે:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 28 T20 મેચ રમાઈ છે. ભારતે 17 વખત જીત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 10 વખત વિજેતા રહી છે.
પિચ રિપોર્ટ:ગુવાહાટીમાં બરસાપારા સ્ટેડિયમ બેટ્સમેન માટે અનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરવા માટે જાણીતું છે. પિચમાં ઉછાળ જોવા મળશે. જોકે, બોલરો શાનદાર વ્યૂહરચના સાથે મેચમાં પ્રભાવ પાડી શકે છે. સ્પિન બોલરોને પિચમાં મદદ મળશે અને સ્પિનરો રમતમાં પ્રભાવ પાડશે. પિચની સ્થિતિના આધારે, ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.