હૈદરાબાદ :ક્રિકેટના ઈતિહાસમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં કોઈ ટીમ ઓછા નેટ રન રેટના કારણે સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી. હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપ 2024 ને લઈને સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે. ભારતીય ટીમ અત્યાર સુધી રમાયેલી તમામ 5 મેચ જીતીને 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. પરંતુ જો આપણે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો પ્રથમ સ્થાને રહેલી ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ +1.353 છે, જ્યારે 4 મેચ જીત્યા બાદ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો નેટ રન રેટ +2.370 છે. જે ટીમ ઈન્ડિયા કરતા ઘણો સારો છે. ત્યારે ચાલો જાણીએ નેટ રન રેટનો ફોર્મ્યુલા શું છે ? અને શા માટે નેટ રન રેટ એટલું મહત્વ ધરાવે છે ?
નેટ રન રેટનું મહત્વ :ક્રિકેટના મેદાન પર રમાતી મેચોમાં વિજેતા ટીમને 2 પોઈન્ટ મળે છે. જો મેચ રદ થાય તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવે છે. ત્યારે સવાલ થાય કે જ્યારે આ પોઈન્ટ સિસ્ટમ છે તો પછી નેટ રન રેટની શું જરૂર છે ? નોંધનીય છે કે એક સાથે વધુ ટીમો વચ્ચે રમાતી ટુર્નામેન્ટ જેમ કે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં નેટ રન રેટની જરૂર હોય છે. આવી ટુર્નામેન્ટમાં લીગ મેચો પછી સેમી ફાઈનલ થાય છે. જેના માટે ટુર્નામેન્ટની ચાર શ્રેષ્ઠ ટીમો ક્વોલિફાય થાય છે. પોઈન્ટ ટેબલમાં સૌથી વધુ પોઈન્ટ મેળવનાર ટીમ સેમીફાઈનલમાં પહોંચે છે. પરંતુ કેટલીકવાર એવી સ્થિતિ સર્જાય છે કે ચારને બદલે 5-6 ટીમો પાસે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે પૂરતા પોઈન્ટ હોય છે. આવી સ્થિતિમાં નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવે છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે કોઈ ટીમ ઓછા નેટ રન રેટને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય.
નેટ રન રેટ ફોર્મ્યુલા :કોઈપણ મેચમાં બંને ટીમના રન રેટ વચ્ચેના તફાવતને નેટ રન રેટ કહેવામાં આવે છે અને વિજેતા ટીમને પોઈન્ટ ટેબલમાં તેનો ફાયદો મળે છે. ઉદાહરણ તરીકે હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બાંગ્લાદેશની ટીમે 50 ઓવરમાં 256 રન બનાવ્યા હતા. નેટ રન રેટની ગણતરી કરવા માટે બાંગ્લાદેશે બનાવેલા રનને ઓવર દ્વારા ભાગાકાર કરવામાં આવે છે. જે 256/50 = 5.12 થાય છે.
ભારતીય ટીમે 41.3 ઓવરમાં 261 રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. જેના કારણે ભારતીય ટીમનો રન રેટ 41.3 ઓવર એટલે કે 41.50 ઓવરના સંદર્ભે ગણવામાં આવશે. કારણે એક ઓવરમાં 6 બોલ હોય છે, તે મુજબ જો 3 બોલ હશે તો તેને .50 ગણવામાં આવશે અને 2 બોલ .333 ગણવામાં આવશે. આમ ટીમ ઈન્ડિયાનો રન રેટ 261/41.5 = 6.28 થાય છે. મેચ જીતવા પર ટીમ ઈન્ડિયાનો રન રેટ વધુ સારો રહેશે તે દેખીતી વાત છે. આમ મેચમાં બંને ટીમો વચ્ચેના તફાવતને નેટ રન રેટ કહેવામાં આવશે. આ મેચમાં ભારતીય ટીમનો નેટ રન રેટ 6.28 - 5.12 = 1.169 થયા છે.
જો કોઈ ટીમ ઓલઆઉટ થઈ જાય તો ? જો કોઈ ટીમ ઓલઆઉટ થઈ જાય તો ટીમનો રન રેટ કુલ ઓવરમાંથી ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે ODI મેચોમાં રન રેટની ગણતરી 50 ઓવરમાંથી કરવામાં આવશે અને T20 મેચોમાં 20 ઓવરમાંથી ગણતરી કરવામાં આવે છે. ઉપરાંત વરસાદના કિસ્સામાં નિર્ધારિત કરેલી ઓવરમાંથી રન રેટની ગણતરી કરવામાં આવશે. જોકે વિજેતા ટીમ જેટલી ઓવરમાં મેચ જીતી હશે તે ઓવરોની સંખ્યા પરથી નેટ રન રેટ નક્કી કરવામાં આવશે. તેથી વિજેતા ટીમ જેટલી ઓછી ઓવરમાં મેચ જીતશે તેનો રન રેટ તેટલો વધુ સારો રહેશે.
વિકેટની રન રેટ પર અસર :રનના અંતરના આધારે જીત પણ ટીમના નેટ રન રેટમાં નોંધપાત્ર ઉછાળો લાવે છે. નેટ રન રેટનો વિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. જીતેલી કે હારેલી ટીમ દ્વારા ગુમાવેલ વિકેટની સંખ્યા નેટ રન રેટને અસર કરતી નથી. એકંદરે નેટ રન રેટ એ બંને ટીમોએ ઓવર દીઠ નોંધાવેલા સરેરાશ રનનો તફાવત છે. આ તફાવત વિજેતા ટીમના ખાતામાં પ્લસ સાથે અને હારેલી ટીમના ખાતામાં માઈનસ સાથે ઉમેરવામાં આવે છે.