ચેન્નાઈ :વર્લ્ડ કપ 2023 માં ભારત અને ઓસ્ટ્રેલિયા સામેની બે હાર બાદ જીતના લક્ષ્ય સાથે પાકિસ્તાન ટીમ મેદાનમાં ઉતરશે. આજે ચેન્નાઈના MA ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 22 મી મેચ રમાશે, જેમાં બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાન ટીમ અફઘાનિસ્તાન સામે ટકરાશે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપની દાવેદાર ટીમ માનવામાં આવે છે. જોકે ઘણી અપેક્ષાઓ સાથે આવેલી પાક. ટીમ હજુ સુધી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે.
પાકિસ્તાનના સુકાની અને સ્ટાર બેટ્સમેન બાબર આઝમે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ભારત સામેની અડધી સદી સિવાય પોતાની બેટિંગનો કોઈ ખાસ જાદુ બતાવી શક્યા નથી. જોકે મોહમ્મદ રિઝવાને ટૂર્નામેન્ટના 294 રન સાથે ટોચના રન-સ્કોરર તરીકે પાકિસ્તાની બેટિંગ યુનિટ માટે મોટા ભાગનું કામ કર્યું છે. પરંતુ તેને સામા છેડેથી સપોર્ટનો અભાવ રહ્યો છે. સઈદ શકીલ અને ઈફ્તિહાર અહેમદે મિડલ ઓર્ડરમાં પોતાની ભૂમિકા ભજવી શક્યા નથી.
ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ છેલ્લી રમતમાં પાંચ વિકેટ ઝડપી હતી, પરંતુ ઝડપી બોલર હરિસ રઉફ અને હસન અલી વિપક્ષી બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરી શક્યા નથી. વધુમાં સ્પિનરો વિકેટ લેવામાં અથવા ટીમ માટે સ્કોરને મર્યાદિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. પાકિસ્તાની ટીમને આગામી મેચમાં વિજય નોંધાવવો પડશે, નહિતર એક પરાજય પણ સેમિફાઈનલમાં પ્રવેશવાની તકને અવરોધી શકે છે.