અમદાવાદઃ આજે વર્લ્ડ કપ 2023નો દિવસ આવી ગયો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પર માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના તમામ ચાહકોની નજરો ટકેલી છે. ભારતીય ટીમ સંતુલિત છે અને વર્લ્ડ કપની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું મનોબળ આસમાને છે. ઓસ્ટ્રેલિયા પણ પ્રથમ બે મેચ હાર્યા બાદ હજુ સુધી એક પણ મેચ હાર્યું નથી.
બંને ટીમોના કેપ્ટને શું કહ્યું?: બંને ટીમો વચ્ચે આજે હાઈવોલ્ટેજ મુકાબલો થવાનો છે. બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે, જ્યારે વિપક્ષી ટીમના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું છે કે, અમારે 1 લાખ 30 હજાર દર્શકોને ચૂપ કરી દઈશું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે, અમે દબાણમાં કેવી રીતે રમવું તે જાણીએ છીએ અને દરેક ખેલાડી પોતાની જવાબદારી સારી રીતે જાણે છે.
ભારત વિ ઓસ્ટ્રેલિયા આંકડા: ઓસ્ટ્રેલિયા અને ભારત પોતાની વચ્ચે અત્યાર સુધીમાં 150 ODI વર્લ્ડ કપ મેચ રમ્યા છે. જેમાંથી ભારતીય ટીમે 57 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે. અને 10 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો 13 મેચ રમી છે જેમાં ઓસ્ટ્રેલિયાએ 8 અને ભારતીય ટીમે 5 મેચ જીતી છે. ભારતીય ટીમે આ વર્લ્ડ કપની પોતાની પ્રથમ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને 199 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અને ત્યારબાદ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલની લડાયક ઇનિંગ્સની મદદથી મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
પીચ રિપોર્ટઃભારત અને ઓસ્ટ્રેલિયા મેચમાં પીચ વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બોલિંગ અને બેટિંગ બંને માટે યોગ્ય છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી આ પીચ પર ચાર મેચ રમાઈ છે અને સ્કોરનો પીછો કરતી વખતે ત્રણ ટીમો જીતી છે. એક રિપોર્ટ અનુસાર, આ પિચ પર 315 રનનો સ્કોર બચાવ કરી શકાય છે. કારણ કે ખરાબ દબાણ વચ્ચે બીજી ઇનિંગમાં બેટિંગ કરવી મુશ્કેલ બની શકે છે.