કોલકાતા:કોલકાતા પોલીસે આજે બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીને નોટિસ પાઠવી ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી આઈસીસી વર્લ્ડ કપ મેચની ટિકિટના વેચાણ સંબંધિત માહિતી અને દસ્તાવેજો માંગ્યા છે. બિન્નીને મંગળવારે દસ્તાવેજો જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
બીસીસીઆઈ પ્રમુખને નોટિસ: મેદાન પોલીસ સ્ટેશન ટિકિટના કથિત બ્લેક માર્કેટિંગની તપાસ કરી રહ્યું છે. નોટિસમાં બીસીસીઆઈ પ્રમુખને આ કેસ સાથે સંબંધિત તમામ માહિતી મેદાન પોલીસ સ્ટેશનને મોકલવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ગઈ કાલે બિન્નીને નોટિસ મોકલવામાં આવી હતી. પોલીસે બિન્નીને અંગત રીતે અથવા સંસ્થાના કર્મચારી મારફત તમામ માહિતી અને દસ્તાવેજો મંગળવારે મેદાન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીને સોંપવા જણાવ્યું હતું.
પોલીસ તપાસ: અધિકારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, "BCCI પ્રમુખને એક નોટિસ મોકલવામાં આવી છે જેમાં તેમને વ્યક્તિગત રીતે અથવા તેમની સંસ્થાના કોઈ યોગ્ય વ્યક્તિ દ્વારા મેદાન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીને ટિકિટના વેચાણ અંગે સંબંધિત દસ્તાવેજો અને માહિતી પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે."