નવી દિલ્હીઃ ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગ બુધવારે જાહેર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે ટેસ્ટ રેન્કિંગમાં આગેકૂચ કરી લીધી છે. 2023માં ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રહાણેના 89 અને 46ના સ્કોરથી ભારતીય ટીમમાં તેની વાપસી થઈ. રહાણેને આનો ફાયદો ટેસ્ટ રેન્કિંગમાં મળ્યો છે. ડબલ્યુટીસી ફાઇનલમાં શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ રેન્કિંગની યાદીમાં જીત મેળવી છે.
ટેસ્ટ રેન્કિંગમાં ટોચના 3 બેટ્સમેન: ઓસ્ટ્રેલિયાના ત્રણ દિગ્ગજ બેટ્સમેન ICC ટેસ્ટ રેન્કિંગની તાજેતરની યાદીમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. 39 વર્ષના રેકોર્ડમાં આવું પહેલીવાર બની રહ્યું છે કે એક જ દેશના ત્રણ ખેલાડીઓએ ટેસ્ટ રેન્કિંગમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યું હોય. અગાઉ 1984માં ટેસ્ટ રેન્કિંગમાં વેસ્ટ ઈન્ડિઝના 3 બેટ્સમેનોએ પ્રથમ ત્રણ સ્થાન કબજે કર્યા હતા. જેમાં ગોર્ડન ગ્રીનિજ, ક્લાઈવ લોઈડ અને લેરી ગોમ્સનો સમાવેશ થાય છે. 7-8 જૂનના રોજ, ઓવલ ખાતે રમાયેલી WTC ફાઈનલના પ્રથમ બે દિવસ, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી અને 163 રન બનાવ્યા. WTC ફાઇનલમાં આ સદી ઐતિહાસિક હતી. આ પછી ટ્રેવિડ હેડ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ ત્રણ સ્થાને જોડાઈ ગયો છે.