નવી દિલ્હી: ભારતનો યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની શ્રેણીમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC T20 આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગમાં પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટોચના સ્થાને પહોંચી ગયો છે. બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં 5 મેચમાં 9 વિકેટ ઝડપી હતી. 23 વર્ષના બિશ્નોઈના 699 રેટિંગ પોઈન્ટ છે. આ રીતે તેણે અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન (692 પોઈન્ટ)ને પાંચ સ્થાનનો ફાયદો ઉઠાવીને ટોચ પરથી હટાવી દીધો.
બિશ્નોઈએ રેન્કિંગમાં ક્યો કમાલ: શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગા અને ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે અને બંનેના 679 પોઈન્ટ છે. શ્રીલંકાના મહિષ તિક્ષાના (677 પોઈન્ટ) ટોપ પાંચ બોલરોમાં સામેલ છે. રમતના આ ટૂંકા ફોર્મેટમાં ટોચના 10માં બિશ્નોઈ એકમાત્ર બોલર છે, જ્યારે અક્ષર પટેલ નવ સ્થાનની છલાંગ લગાવીને 18મા સ્થાને પહોંચ્યો છે.