નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) 27 જૂન મંગળવારના રોજ મેન્સ ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે અને તેની ફાઇનલ 19 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટ ભારતના યજમાનપદે રમાશે. આ શાનદાર મેચની શરૂઆત ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ભારત તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. અગાઉ બોર્ડને મોકલવામાં આવેલા ડ્રાફ્ટ શિડ્યુલમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. 15 ઓક્ટોબરે ભારતીય ટીમ અમદાવાદમાં પાકિસ્તાન સામે રમશે.
ભારતની પ્રથમ મેચ:આ વર્લ્ડ કપમાં ભારત લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમશે. ODI વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે 20 નવેમ્બર અનામત દિવસ રહેશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે નાઈટ રહેશે. યજમાન ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.