નવી દિલ્હી : વિરાટ કોહલીએ શનિવારે જાહેરાત કરી કે, તે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી રહ્યો છે. ગયા વર્ષે, કોહલીએ T20 કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું અને થોડા સમય પછી તેને ODI કેપ્ટનના પદ પરથી પણ હટાવવામાં આવ્યો હતો કારણ કે, પસંદગીકારો મર્યાદિત ઓવરોના ફોર્મેટ માટે એક જ કેપ્ટન ઇચ્છતા હતા.
7 વર્ષથી ટીમને સાચી દિશામાં લઈ જવા સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કર્યું
ટ્વિટર પર નિવેદન પોસ્ટ કરતા કોહલીએ જણાવ્યું હતું કે, "7 વર્ષથી ટીમને સાચી દિશામાં લઈ જવા માટે મેં દરરોજ સખત અને અથાક મહેનત કરી છે, મેં સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કર્યું છે અને ત્યાં કંઈપણ છોડ્યું નથી અને મારા માટે ભારતની ટેસ્ટ કેપ્ટશિપ છોડવાનો સમય આવી ગયો છે, આ પ્રવાસમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ ક્યારેય પ્રયત્નો કે વિશ્વાસની કમી આવી નથી. હંમેશા દરેક બાબતમાં મારું 120 ટકા આપવામાં વિશ્વાસ રાખું છું, અને જો હું તે ન કરું તો, હું જાણું છું કે તે યોગ્ય રહેશે નહીં. મારા હૃદયમાં સંપૂર્ણ સ્પષ્ટતા છે અને હું મારી ટીમ સાથે અપ્રમાણિક ન થઇ શકું."
કોહલીએ BCCIનો આભાર માન્યો
કોહલીએ વધુમાં જણાવ્યું કે, “હું BCCIનો આભાર માનું છું કે, તેમને મને આટલા લાંબા સમય સુધી મારા દેશનું નેતૃત્વ કરવાની તક આપી અને સૌથી અગત્યનું એ તમામ સાથી ખેલાડીઓનો આભાર માનું છું, જેમણે પહેલા દિવસથી જ ટીમને મદદ કરી અને ટીમ માટે બધું કર્યું છે અને કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય હાર માની નથી. તમે લોકોએ મારા આ સફરને ખૂબ જ યાદગાર અને સુંદર બનાવ્યો છે. રવિભાઈઅને સપોર્ટ ગ્રૂપ આ ગાડીની પાછળનું એન્જિન હતું જેણે અમને ટેસ્ટ ક્રિકેટમાં ઉપર તરફ લઈ ગયાં હતા. અંતે, એમએસ ધોનીનો ખૂબ ખૂબ આભાર, જેમણે મરા પર કેપ્ટન તરીકે વિશ્વાસ કર્યો અને મને એક સક્ષમ વ્યક્તિના રુપમાં શોધી કાઢ્યો જે ભારતીય ક્રિકેટને આગળ લઈ જઈ શકે."