ગુજરાત

gujarat

દક્ષિણ આફ્રિકા અને ભારતની મેચ જોવાનું ચુકી ગયા..? તો આ રહ્યો અહેવાલ તમારા માટે

By

Published : Jun 6, 2019, 2:25 AM IST

ન્યુઝ ડેસ્કઃ વિશ્વકપની આઠમી અને ભારતની પહેલી મેચનું પરિણામ સામે આવી ગયું છે. દક્ષિણ આફ્રિકાને પછાડી ભારતે વર્લ્ડ કપના લક્ષ્ય તરફ આગેકુચ કરી છે. ભારતની શાનદાર જીતથી દેશ આખો ઝુમી રહ્યો છે. ત્યારે તમે જો આ મેચ જોવાનુ ચુકી ગયા હોય તો આ અહેવાલ તમારા માટે છે. વાંચો આજની મેચમાં શું શું થયુ...

દક્ષિણ આફ્રિકા અને ભારતની મેચ જોવાનું ચુકી ગયા? તો આ અહેવાલ તમારા માટે છે

વર્લ્ડકપમાં ભારતની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે હતી. જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ખરાબ શરુઆત છતાં 227 રન કર્યા. ભારત સામે મેચ જીતવા 228 રનનો લક્ષ્યાંક હતો. રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગમાં ઉતર્યા. ઈમરાન તાહિરે બોલિંગની શરુઆત કરી.

દક્ષિણ આફ્રિકા અને ભારતની મેચ જોવાનું ચુકી ગયા..? તો આ રહ્યો અહેવાલ તમારા માટે

રોહિતને જીવતદાન ભારતની જીતનું કારણ

પહેલી પાંચ ઓવરમાં જો રોહિત શર્માને જીવતદાન ન મળ્યુ હોત તો આજનું પરિણામ કદાચ કંઈક અલગ હોત. કારણ કે, રબાડાની શોર્ટ પીચ બોલ પર છક્કો મારવાના ચક્કરમાં શર્માએ હવામાં બોલ ઉછાળી દીધો. નસીબથી કેચ પકડાતા રહી ગયો. આઉટ થતા બચેલા રોહિત શર્મા પીચ પર દીવાલ બનીને મોટો સ્કોર બનાવી શક્યા છે. રોહિતે નોટઆઉટ રહી 144 બોલમાં 14 બાઉન્ડ્રી અને 2 છક્કા સાથે 122 રન બનાવ્યા અને તેની સદી જ આફ્રિકાને હરાવવામાં મદદરુપ રહી.

રોહિત શર્માની સદી
જ્યારે ઘવનના બેટનો ટુકડો ઉછળી મેદાનમાં પડયો

બીજી તરફ ચોથી ઓવરની છેલ્લી બોલે મેદાનમાં એવી ઘટના બની જેની તરફ બધાનું ધ્યાન ગયુ. રબાડાની 145-50ની સ્પીડથી આવેલી યોર્કર બોલને રોકવા જતા ધવનનું બેટ તુટી ગયું. ધવને નવુ બેટ મંગાવ્યુ પણ તેનો કોઈ લાભ ન તો ધવનને મળ્યો ન તો ઈન્ડિયાની ટીમને. રબાડાએ પોતાની બીજી ઓવરની પહેલી જ ઓવરમાં બેટ તુટવાથી પ્રેશરમાં આવેલા ધવનની વિકેટ ઉડાવી અને ધવન 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો.

ઘવનના બેટનો ટુકડો ઉછળી મેદાનમાં પડયો

દક્ષિણ આફ્રિકાની સતત ત્રીજી હાર

તો આ મેચમાં હાર સાથે વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાનો હારનો સિલસિલો યથાવત્ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની આ સતત ત્રીજી હાર છે. જેના કારણે વિશ્વકપમાં આગળ વધવા તેની પર દબાણ ઉભુ થયુ છે. આ પહેલા તે ઈંગ્લેંન્ડ અને પછી આફ્રિકા સામે હાર્યુ હતું.

ચહલની ચોટદાર બોલિંગ

ભારતની જીતની ચર્ચા સાથે ચહલની બોલિંગ પણ ચર્ચાસ્પદ રહી. તેણે ચોટદાર અને અસરકારક બોલિંગ કરી આફ્રિકાના બેટ્સમેનોને છેતર્યા તો ખરા જ સાથે જ તેમને ભૂલો કરવા પણ મજબૂર કર્યા. આ ઉપરાંત જસપ્રીત બુમરાહે 35 રન આપી 2 વિકેટ લીધી. ભુવનેશ્વર કુમારે 44 રન આપી 2 વિકેટ, તો સ્પીનર કુલદીપ યાદવે 46 રન આપી 1 વિકેટ મેળવી દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને મોટો સ્કોર કરવા રોક્યા હતાં. તો દક્ષિણ આફ્રિકાના બોલરોને તેમના ભાગ્યએ આજે ઓછો સાથ આપ્યો હતો.

રોહિત શર્માની સૌથી ધીમી સદી

રોહિત શર્માએ ભલે સદી ફટકારી. પરંતુ વન ડે ક્રિકેટની તેની 23 સેન્ચ્યુરી પૈકી આ સદી સૌથી ધીમી સદી રહી હતી.

બુમરાહે જીતનો માર્ગ સરળ કર્યો

ભારતના બોલર બુમરાહે તેની બોલિંગથી દક્ષિણ આફ્રિકાના બંન્ને ઓપનિંગ બેટ્સમેનને પેવેલિયનમાં પાછા મોકલી આપ્યા હતાં. તેમજ અન્ય બેટ્સમેન ઉપર પણ બોલિંગના માધ્યમથી નિયત્રંણ બનાવી રાખ્યુ હતું. તેણે ચોથી ઓવરમાં જ હાશિમ અમલાને સ્લિપમાં રોહિતના હાથમાં કેચ કરાવી દીધો હતો. તો એ પછીની ઓવરમાં જ ડિકાકને 10 રને જ આઉટ કર્યો હતો.

માત્ર 11 રનમાં જ દક્ષિણ આફ્રિકાની ત્રણ વિકેટ પડી ગઈ

ભારતીય બોલરોની અસરકારક બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો ટકી શક્યા નહોતા. 18મી ઓવરમાં પછી કોહલીએ ચહલના હાથમાં બોલ આપી. 18મી ઓવર પછી માત્ર 11 રનમાં એક પછી એક 3 વિકેટ દક્ષિણ આફ્રિકા ગુમાવી દીધી હતી. જો કે ત્યારપછી મૌરિસ અને રબાડાએ પીચ પર ટકી રહી સારી બેટિંગ કરી દક્ષિણ આફ્રિકાને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details