મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો અને કહ્યું કે, પૂર્વ વિકેટ કીપર દિગ્ગજ હંમેશા તેમના કેપ્ટન રહેશે. ભારતને 2 વખત વર્લ્ડ કપ અપાવનારા ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
BCCIએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કોહલીએ કહ્યું કે, જીવનમાં ઘણી વખત શબ્દો ટૂંકા પડે છે અને મને લાગે છે કે, આ તે ક્ષણ છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે, તમે હંમેશાં તે વ્યક્તિ રહેશો, જે બસમાં છેલ્લી સીટ પર બેસે છે.
તેમણે કહ્યું કે, આપણી વચ્ચે ખૂબ સારી મિત્રતા અને પરસ્પર સમજણ છે. કારણ કે, આપણે હંમેશાં સમાન ભૂમિકા માટે એક જ ધ્યેય માટે રમ્યા હતા. જે ટીમને જીત અપાવવાનો હતો. તમારા નૈતૃત્વ હેઠળ તમારી સાથે રમવું આનંદદાયક હતું. તમે મારા પર વિશ્વાસ દર્શાવ્યો એના માટે હું હંમેશાં તમારો આભારી રહીશ.
કોહલીએ કહ્યું કે, મેં આ પહેલા પણ કહ્યું હતું અને ફરી કહું છું કે, તમે હંમેશા મારા કેપ્ટન રહેશો.