અમરોહા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના સાથીદારો સાથે ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લાના ગજરૌલામાં પરપ્રાંતીય મજૂરોની સેવા કરી હતી. શમીએ પરદેશીઓ માટે ખોરાક અને પાણીની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. તમને જણાવી દઈએ કે, ક્રિકેટર શમી સતત પરપ્રાંતીય મજૂરોની સેવામાં રોકાયેલો છે. શમી તેના સાથીઓ સાથે ગજરૌલા શહેરમાં સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બસોથી ઘરે પરત ફરતા પરપ્રાંતીય મજૂરોની સેવા કરતો જોવા મળ્યો હતો.
ક્રિકેટર મોહમ્મદ શમીની દરિયાદીલી, લોકડાઉનમાં મજૂરોની વ્હારે આવ્યો
મોહમ્મદ શમીએ કહ્યું કે, દેશમાં જ્યાં સુધી લોકડાઉન પૂર્ણ નહીં ત્યાં સુધી લોકોને મદદ કરીશ અને જમાડીશ.
આ સમયગાળા દરમિયાન શમીએ પરપ્રાંતીય મજૂરોને ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કર્યું હતુ અને લોકોને માસ્ક પણ આપ્યા હતા. શમીનું કહેવું છે કે, અમે અમારી સેવા સતત ચાલુ રખીશું, અમારું કામ લોકડાઉન શરૂ થયું ત્યારથી ચાલુ છે. અમે લોકોને ખોરાક અને પાણી આપી રહ્યા છીએ. જ્યાં સુધી લોકડાઉન ચાલશે ત્યાં સુધી આ સેવા ચાલું રાખીશું. અમે વધુને વધુ નવી જગ્યાએ જઈ સેવા આપવા માંગીએ છીએ. ક્યાંક 10 હજાર લોકોને ભોજન મળી રહ્યું છે તો ક્યાંક પાંચ હજાર લોકો જમી રહ્યાં છે.
કોરોના વાઇરસને કારણે દેશના તમામ રાજ્યોમાંથી સ્થળાંતર કરી મજૂરો પોતાના વતન પહોંચી રહ્યાં છે. તાજેતરમાં જ શમીએ નેશનલ હાઈવે નંબર-24 પર પહોંચી અને બસમાં બેઠેલા લોકોને ફૂડ પેકેટ અને માસ્ક આપ્યા હતાં. એટલું જ નહીં શમીએ પોતાના ઘરની નજીક એક ફૂડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પણ બનાવ્યું છે. આ રીતે શમી કોરોના સામેની લડતમાં સાથ આપી રહ્યો છે. આ અંગે બીસીસીઆઈએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં શમી ખોરાકનાં પેકેટ વહેંચી રહ્યો છે.