ભારતીય ક્રિકેટ ટીમે મંગળવારે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ટેસ્ટ સિરીઝમાં સાઉથ આફ્રીકાની 3-0થી ક્લિન સ્વીપ કરી હતી. યજમાન ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ મોટી જીત બાદ કહ્યું કે, તેની ટીમ વિશ્વમાં ગમે ત્યાં જીતવાની ક્ષમતા ધરાવે છે.
ભારતે પહેલી ઇનિંગ્સ નવ વિકેટે 497 રન બનાવીને ડીક્લેર કરી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિગ્સમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને ફોલોઓનનો સામનો કરવો પડ્યો હતો.
મેચ બાદ કોહલીએ કહ્યું, "આ જીત શાનદાર છે, તમે લોકો જોયું છે કે, અમે કેવી રીતે રમી રહ્યાં છીએ. એક ટીમ તરીકે અમારું પ્રદર્શન ખૂબ જ સારૂ રહ્યું છે. અમે તે પીચો પર વિકેટ લીધી છે જ્યાં બોલરોને વધુ મદદ મળી શકતી નથી મને તેનો ખૂબ ગર્વ છે. આ શ્રેણી અમારા માટે ઘણી સારી રહી છે. "