નવી દિલ્હીઃ ફોર્બ્સ મેગઝીને દુનિયાભરના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની એક સૂચિ જાહેર કરી છે. જેમાં ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો માત્ર વિરાટ કોહલી જ ટોપ-100માં સામેલ છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી 26 મિલિયન ડોલર એટલે કે 196 કરોડની કમાણી સાથે 66મા નંબર પર રહ્યો છે.
ફેડરર 802 કરોડની કમાણી સાથે ટોપ પર કોહલીએ સતત ચોથા વર્ષે ફોર્બ્સની સૂચિમાં સ્થાન મેળવ્યું છે. કોહલી સતત ચોથા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર 100 ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. ભારતીય કેપ્ટન વર્ષ 2019માં રૂ. 173.3 કરોડની આવક સાથે 100 ક્રમે હતો, જ્યારે 2018માં 166 કરોડની કમાણી સાથે 83મા ક્રમે હતો અને 2017માં 141 કરોડની કમાણી સાથે 89મા સ્થાને હતો.
આ યાદીમાં સ્વિત્ઝર્લેન્ડના ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસીને પાછળ છોડી દીધા છે. ફેડરર 106.3 મિલિયન ડોલરની કમાણી સાથે ટોપ પર છે. આમ, ફેડરર ચોથા નંબરથી પહેલા ક્રમે પહોંચનાર પ્રથમ ટેનિસ ખેલાડી બન્યો છે. સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર ફેડરરે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લગભગ 7 અબજની કમાણી કરી છે. ગયા વર્ષે તે ચોથા નંબર પર હતો.
બીજી તરફ બીજા ક્રમે રોનાલ્ડો છે, જેણે ગયા વર્ષે 105 મિલિયન ડોલરની કમાણી કરી હતી. આ યાદીમાં બ્રાઝિલનો ફૂટબોલ સ્ટાર નેમાર જુનિયર ચોથા ક્રમે છે. જેણે 95.5 મિલિયન ડોલરની કમાણી કરી છે.
મહિલાઓમાં જાપાનની ટેનિસ સ્ટાર નાઓમી ઓસાકા વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ખેલાડી બની છે. જેણે ગયા વર્ષે 37.4 મિલિયન ડોલરની કમાણી કરી હતી. ઓસાકાએ 4 વર્ષથી આ લિસ્ટની ટોપર અમેરિકાની સેરેના વિલિયમ્સને પાછળ છોડી દીધી છે. સેરેનાએ આ વખતે ઓસાકા કરતા લગભગ 11 કરોડ રૂપિયાની કમાણી ઓછી કરી છે. જોકે, બંનેએ કમાણીની બાબતમાં રશિયાની મારિયા શારાપોવાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. શારાપોવાએ 2015માં 29.7 મિલિયન ડોલરની કમાણી કરી હતી.