- 10થી 31 જાન્યુઆરી રમાસે મુસ્તાક અલી ટી-20
- અન્ય ખેલાડીઓ માટે ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
- આઈપીએલને ધ્યાનમાં રાખી ટૂર્નામેન્ટનું આયોજન
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) પોતાના ઘરેલુ સત્રની શરૂઆત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટથી કરશે, જે માટે 10થી 31 જાન્યુઆરીમાં 6 રાજ્યોમાં મેચ રમાશે. આ માટે બાયો બબલ પણ તૈયાર કરવામાં આવશે. આમાં ભાગ લેનારી ટીમને 2 જાન્યુઆરીએ પોતાના સંબંધિત બાયો બબલમાં પહોંચવું પડશે. બીસીસીઆઈ સચિવ જય શાહે તમામ રાજ્યના એકમોને આ અંગે ઈમેલ કરી દીધો છે. તેમણે જણાવ્યું છે કે, સત્રની શરૂઆત મુસ્તાક અલી ટ્રોફીથી થશે, પરંતુ આને લઈને કોઈ સ્પષ્ટતા નથી કે રણજી ટ્રોફી ક્યારે શરૂ થશે. કોવિડ-19 મહામારીના કારણે સારા કાર્યક્રમોમાં ખૂબ જ બાધાઓ આવી છે.
રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી પર હજી કોઈ નિર્ણય નહીં
જય શાહે કહ્યું, શનિવારે 2 જાન્યુઆરી 2021 સુધી ટીમ પોતાના સંબંધિત જૈવ સુરક્ષિત માહોલમાં પહોંચી જશે. રવિવારે 10 જાન્યુઆરી 2021થી ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને ફાઈનલ 31 જાન્યુઆરી 2021એ રમવામાં આવશે. રણજી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી પર મુસ્તાક અલી ટી-20 મેચ રમાયા બાદ નિર્ણય કરવામાં આવશે. આમાં પણ સભ્યોના પ્રતિભાવ ખૂબ જ મહત્ત્વના રહેશે. જાણવા મળ્યું છે કે, મુસ્તાક અલી ટ્રોફીનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે, કારણ કે બીસીસીઆઈ ફેબ્રુઆરીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી કરવા માગે છે. આ વખતે આઈપીએલમાં નવ કે દસ ટીમ ભાગ લે તેવી સંભાવના છે. અન્ય ટૂર્નામેન્ટોની વાત કરવામાં આવે તો રણજી ટ્રોફીના બદલે વિજય હજારે ટ્રોફી આયોજિત કરવામાં આવી શકે છે કારણ કે આનું આયોજન મુસ્તાક અલી ટ્રોફીની જેમ થોડા સમયમાં થઈ શકે છે.