હૈદરાબાદ: ભારત સરકારે રવિવારે લોકડાઉનના ચોથા તબક્કાની જાહેરાત કરી છે. આ લોકડાઉન 31 મે સુધી ચાલશે, પરંતુ આ લોકડાઉનમાં રમત પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, દેશના તમામ સ્ટેડિયમ ખોલવામાં આવશે, ટૂર્નામેન્ટો શરૂ થઈ જશે, પરંતુ આ તમામ ટૂર્નામેન્ટો પ્રેક્ષકો વિના રમાશે.
ગૃહ મંત્રાલયે જારી કરેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે, રમત સંકુલ અને સ્ટેડિયમ ખોલવાની છૂટ છે, પરંતુ પ્રેક્ષકોને ત્યાં જવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે, કોરોના વાઈરસને કારણે દેશની તમામ રમત-ગમત ટૂર્નામેન્ટ્સ રદ થઈ હતી અથવા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તે બધાના આયોજનની આશા છે.
આવી સ્થિતિમાં વિશ્વની સૌથી રોમાંચક ક્રિકેટ લીગ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તેનું આયોજન થવાની સંભાવના છે. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી 4 મે દરમિયાન રમવાની હતી, પરંતુ 25 માર્ચથી દેશમાં લોકડાઉન થવાને કારણે મેચ મુલતવી રાખવામાં આવી હતી.