હૈદરાબાદ: કોરોના વાઇરસને કારણે હાલમાં તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ મુલતવી રાખવામાં આવી છે. જો કે, જુલાઈમાં વેસ્ટ ઇન્ડિઝના ઇંગ્લેન્ડ પ્રવાસમાં ફરી એકવાર ક્રિકેટની શરૂઆત થવાની તૈયારીમાં છે, પરંતુ ચાલુ વર્ષે જે ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો હતો. એનું આયોજન મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
ચાલુ વર્ષે પુરૂષ ક્રિકેટનો ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ક્રિકેટના અધ્યક્ષ અર્લ એડિંગ્સના મતે કોરોનાકાળમાં ચાલુ વર્ષે વર્લ્ડ કપ રમવો મુશ્કેલ છે, ઓસ્ટ્રેલિયા ક્રિકેટે હજી સુધી ટી-20 વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય લીધો નથી. આ અંગે અર્લ એડિંગ્સે કહ્યું કે, "ટી-20 વર્લ્ડ કપનું ચાલુ વર્ષે થવો શક્ય નથી." જો કે, આ ટુર્નામેન્ટને મોકૂફ રાખવામાં અથવા સત્તાવાર રીતે રદ કરવામાં આવી નથી."
અર્લ ઓડિંગ્સે કહ્યું કે, "અમે 16 દેશોને ઓસ્ટ્રેલિયામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાં કોરોના વાઇરસના મોટાભાગના કેસ હજી વધી રહ્યાં છે. જેથી મને લાગે છે કે, કોઈ મોટી ટૂર્નામેન્ટ રમાવવી વાસ્તવિકતાની બહાર છે અથવા તો ખૂબ મુશ્કેલ છે."
મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ચાલુ વર્ષના ટી-20 વર્લ્ડ કપના ભાવિ અંગેનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખ્યો હતો. આઇસીસીએ એમ પણ કહ્યું છે કે, કોરોના રોગચાળાની આરોગ્ય કટોકટી વચ્ચે અમે એક વિન્ડોની શોધ ચાલુ રાખી છે. જો કે, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટૂર્નામેન્ટ યોજાવાની હતી.
આ અંગે ક્રિકેટ બોર્ડની બેઠક બાદ આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સાહનીએ કહ્યું કે, અમને આ અંગે નિર્ણય લેવાની એક જ તક મળશે અને તે યોગ્ય હોવી જોઈએ. અમે અમારા સભ્યો, બ્રોડકાસ્ટર્સ, ભાગીદારો, સરકારો અને ખેલાડીઓની સલાહ લેતા રહીશું, પરંતુ બધાને યોગ્ય લાગે એ જ નિર્ણય લઈશું.