કોલંબો: શ્રીલંકાની 13 સભ્યોની ક્રિકેટ ટીમ સોમવારથી કોરોના વચ્ચે દિશા-નિર્દેશ સાથે ઓન-ફીલ્ડ પ્રેક્ટિસ કરશે. કોવિડ-19 રોગચાળાને કારણે શ્રીલંકામાં ગત માર્ચ માસથી ક્રિકેટ બંધ થઈ ગઈ હતી. આ પછી ઇંગ્લેન્ડની ટીમ બે ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકા આવી હતી, પરંતુ ટૂંક સમયમાં જ ઇંગ્લેન્ડની ટીમ પરત ફરી હતી. આ સિરીઝ હવે હાલ માટે મુલતવી રાખવામાં આવી છે.
શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, આ પ્રેક્ટિસ સેશન 12 દિવસ ચાલશે, જેમાં 13 ખેલાડીઓ ભાગ લેશે. આ પ્રેક્ટિસમાં મુખ્યત્વે બોલર્સનો સમાવેશ થયો છે. મહત્વનું છે કે, આ પ્રેક્ટિસ સત્ર સોમવારે કોલંબોની એક હોટલમાં ફીટનેસ સત્રથી શરૂ થશે, જેમાંથી ખેલાડીઓ વિવિધ જૂથ સાથે મેદાનમાં ઉતરશે.
શ્રીલંકા ક્રિકેટ 12 દિવસ પ્રેક્ટિસ સેશન ચલાવશે, ટીમના 13 ખેલાડીઓ ભાગ લેશે એસએલસીએ નિવેદનમાં કહ્યું કે, "પ્રેક્ટિસ શિબિરમાં ભાગ લેનારા ખેલાડીઓ વ્યક્તિગત કારણોસર હોટલ અથવા પ્રેક્ટિસ સ્થળ છોડી શકશે નહીં. તમામ ખેલાડીઓની પસંદગી તમામ ફોર્મેટ્સમાંથી કરવામાં આવશે અને મુખ્યત્વે બોલર્સ પર વધારે ધ્યાન આપવામાં આવશે. કારણ કે સક્રિય ટુર્નામેન્ટમાં ભાગ લેનારા બોલર્સ માટે અનુકૂળ વાતારવણ અને વધુ સમયની જરૂર પડે છે."
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ફ્યુચર ટૂર પ્રોગ્રામ (એફટીપી)ના જણાવ્યાં અનુસાર, શ્રીલંકાએ જૂન-જુલાઇમાં દક્ષિણ આફ્રિકા અને ભારત સામે ત્રણ વનડે મેચની શ્રેણી રમવાની હતી. આ સિવાય ઓગસ્ટમાં ત્રણ ટેસ્ટ મેચ બાંગ્લાદેશ સામે રમવાનું આયોજન હતું. આ ત્રણેય મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ હતી, પરંતુ કોવિડ-19ને કારણે આ બધુ અટકી પડ્યું છે. શ્રીલંકામાં અત્યાર સુધી 1,620 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેમાંથી 10 લોકોના મોત થયાં છે.