ચંદીગઢ: પંજાબના મુખ્યપ્રધાન અમરિંદરસિંહે મંગળવારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના પરિવાર પર થયેલા હુમલાની તપાસ માટે SITની રચના કરવાના આદેશ આપ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે પંજાબના DGP દિનકર ગુપ્તાને આરોપીઓને ઓળખવા અને વહેલી તકે તેમની ધરપકડ કરવા જણાવ્યું છે.
મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે ટ્વિટ કર્યું કે, "પઠાણકોટમાં તમારા પરિવારના સભ્યો પર થયેલા હુમલોથી અમને દુ:ખ છે. SIT ને આ કેસની તપાસ કરવા આદેશ આપ્યા છે અને પંજાબ DGPને વહેલી તકે ગુનેગારોની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવા જણાવ્યું છે." મારા DC અને SSP પરિવારને મળ્યા છે અને અમે તમને ખાતરી આપીએ છીએ કે ગુનેગારોને સજા મળશે."
19 ઓગસ્ટના રોજ અજાણ્યા હુમલાખોરોએ પઠાણકોટના માધોપુર વિસ્તારના થારીયાલ ગામમાં સુરેશ રૈનાની ફઇના ઘરે હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશ રૈનાના ફૂઆનું મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રૈનાની ફઇની હાલત ખૂબ જ ગંભીર છે અને તે હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય મંગળવારે રાત્રે તેના એક કઝીનનું પણ મોત થયુ છે.