નવી દિલ્હીઃ એશિયાઇ ક્રિકેટ કાઉન્સીલ (ACC)એ આ વર્ષે યોજાનારા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ભવિષ્યને લઇ નિર્ણયને અત્યારે મુલતવી રાખ્યો છે. જો કે શ્રીલંકાએ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઓફર કરી હતી અને સાથે જ એવો દાવો કર્યો કે યજમાન પાકિસ્તાન તેની આ ઓફર માટે રાજી પણ થઇ ગયા છે.
શ્રીલંકા ક્રિકેટ(SLC)ના પ્રમુખ શમી સિલ્વાએ દાવો કર્યો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ACC સંમત થયા છે કે શ્રીલંકા આ વર્ષે ટૂર્નામેન્ટની યજમાની કરી શકે છે. એશિયા કપનું આયોજન આ વર્ષે સપ્તેમ્બર મહિનામાં થવાનું છે. આ વર્ષે યજમાનીનો વારો PCBનો છે પરંતુ તેનું આયોજન અન્ય દેશમાં થવાનું નક્કી છે. કારણ કે ભારતીય ટીમની પાકિસ્તાન જવાની સંભાવના ઓછી છે.
શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમી સિલ્વાએ કહ્યું કે, અમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી અને દુનિયાભરમાં વર્તમાન પરિસ્થિતિના કારણે તેઓ અમને આ ટૂર્નામેન્ટની યજમાની આપવા માટે સંમત થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, ACCની ઓનલાઇન બેઠકમાં તેમણે અમને ટૂર્નામેન્ટની યજમાની માટે મંજૂરી આપી છે.