વેલિંગટનઃ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલ્સે ક્રિકેટ વર્લ્ડ કપ(2019)ના ફાઈનલમાં પહેરેલી જર્સીની હરાજી કરી કોવિડ-19 મહામારીથી અસરગ્રસ્ત પરિવારોને મદદ માટે દાન આપવાનો નિર્ણય લીધો છે. નિકોલ્સ આ જર્સીને યૂનિસેફ (સંયુક્ત રાષ્ટ્ર બાળ ભંડોળ) ન્યૂઝીલેન્ડને દાન કરશે.
ભાગ્યશાળી વિજેતાને આ આપવામાં આવશે
યૂનિસેફે ટ્વીટ કર્યું કે, ન્યૂઝીલેન્ડના ક્રિકેટર હેનરી નિકોલ્સે 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઉપયોગ કરેલી જર્સીને દાનમાં આપવાનો નિર્ણય લીધો છે, જેમાં સમગ્ર ટીમની સાઈન હશે. ન્યૂઝીલેન્ડમાં પરિવારોને ભોજન આપનારા એક ભાગ્યશાળી વિજેતાને આ આપવામાં આવશે.
નિકોલ્સે આ કાળા રંગની જર્સીનો ઉપયોગ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લાર્ડસમાં રમવામાં આવેલા ફાઈનલમાં કર્યો હતો. આ રોમાંચક મેચમાં જો કે કિસ્મતે ન્યૂઝીલેન્ડના સાથ આપ્યો નહોતો. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો હતો. સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. ત્યારબાદ વધુ બાઉન્ડ્રીની સંખ્યાના આધારે ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.
આ ખેલાડીઓએ પણ પોતાની સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવાનો નિર્ણય લીધો
ફાઈનલમાં 55 રનની ઈનિંગ રમનારા નિકોલ્સે કહ્યું, લોકડાઉન શરૂ થયા બાદથી ન્યૂઝીલેન્ડમાં ભોજનના પાર્સલની માગમાં ત્રણ ગણો વધારો થયો છે. લોકોને દાન કરવા માટે પ્રેરિત કરવા માટે મેં મારી શર્ટ દાન કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એ.બી.ડિવિલિયર્સે પણ IPLના એક મેચ સાથે જોડાયેલી વસ્તુઓની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના વિકેટ કીપર જોસ બટલરે વર્લ્ડ કપ ફાઈનલ જર્સીની હરાજી કરી હતી.