- ભારતીય ક્રિકેટ ટીમ 3-1થી શ્રેણી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
- ICC દ્વારા તાજેતરની તમામ મેચોનું રેટિંગ જાહેર કરવામાં આવ્યું છે
- ટર્નિંગ પીચ પર 150થી વધુ રન બનાવવામાં નિષ્ફળ ગઈ હતી
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ડે/નાઈટ મેચની પીચને 'એવરેજ' રેટિંગ આપ્યું છે. એવરેજ રેટિંગ મળવાને કારણે આ પીચ પ્રતિબંધિત થતા બચી ગઈ છે.
ત્રીજી ટેસ્ટ માટે 'એવરેજ' અને અંતિમ ટેસ્ટ માટે 'સારું' રેટિંગ
ICCએ તેના 'નિયમો અને માર્ગદર્શિકા' પેજ પર તાજેતરની તમામ મેચોનું રેટિંગ જાહેર કર્યું છે. જેમાં મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચને ત્રીજી ટેસ્ટ માટે 'એવરેજ' અને અંતિમ ટેસ્ટ માટે 'સારું' રેટિંગ આપ્યું છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય T-20 મેચ માટે 'વેરી ગુડ' રેટિંગ આપવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે SCG(સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ) પર રમાયેલી ત્રીજી ટેસ્ટની પીચને પણ 'એવરેજ' રેટિંગ મળ્યું છે.
આ પણ વાંચો:MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
જો 'ખરાબ' પીચ તરીકે જાહેર થઈ હોત તો પ્રતિબંધ લાગી શકે
ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ગુલાબી બોલ મેચથી રમાયેલી મેચ 10 વિકેટે જીતી હતી. જેમાં બંને ટીમો ટર્નિંગ પીચ પર 150થી વધુ રન બનાવવામાં નિષ્ફળ ગઈ હતી. ભારતે વિકેટ ગુમાવ્યા વગર 145 અને 49 રન બનાવ્યા હતા. જ્યારે, ઇંગ્લેન્ડે અક્ષર પટેલની ધારદાર બોલિંગનો સામનો કરીને બંને ઇનિંગ્સમાં 112 અને 81 રન બનાવ્યા હતા. જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નવી બનેલી પીચને 'ખરાબ' પીચ તરીકે જાહેર કરવામાં આવી હોત તો તેના પર પ્રતિબંધ લાગી શકે તેમ હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 4 મેચોની ટેસ્ટ શ્રેણીમાં પીચને લઈને ઘણા વિવાદો થયા હતા. ભારતીય ક્રિકેટ ટીમ 3-1થી શ્રેણી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી.
આ પણ વાંચો:નરેન્દ્ર મોદી સ્ટેડિયમ: સીઝનલ રોજગારનો અવસર
ક્રિકેટ ગ્રાઉન્ડને સુધારવા માટે અપાય છે રેટિંગ
ICCને દરેક ટેસ્ટ, વન ડે ઇન્ટરનેશનલ અને આંતરરાષ્ટ્રીય T-20 મેચની પીચ અને આઉટફિલ્ડ પ્રદર્શન માટે રેટિંગ મળે છે. મેચ બાદ ICC મેચ રેફરી દ્વારા પીચ અને આઉટફિલ્ડને પોઇન્ટ આપવામાં આવે છે. ICCએ કહ્યું કે, 'રેટિંગથી સંબંધિત ગ્રાઉન્ડને આંતરરાષ્ટ્રીય મેચો માટે આઉટફિલ્ડ્સ અને પીચ તૈયાર કરવામાં મદદ મળે છે. નબળી અને ખરાબ પીચ પર ICC દ્વારા પ્રતિબંધ પણ મૂકવામાં આવી શકે છે.'