અહીં ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ કૈફનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ(પ્રયાગરાજ)માં 1 નવેમ્બર 1980ના રોજ થયો હતો. તેમણે તેમની જિંદગીના 18 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આપ્યા હતા. તેઓ પ્રથમ વખત ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે ભારતે તેમની કપ્તાની હેઠળ 2000માં અંડર 19 વર્લ્ડ કપ જીત્યો હતો.
મોહમ્મદ કૈફ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર જોન્ટી રોડ્સથી પ્રેરિત હતા, તેથી તે ટીમ ઈન્ડિયામાં ફીલ્ડિંગમાં સુધારો કરી શક્યા હતા. 20 વર્ષની ઉંમરે જ તેઓએ ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવી લીધું હતુ. એટલું જ નહીં તેઓએ યુવરાજ સિંહ સાથે મળીને ફિલ્ડિંગમાં શાનદાર જોડી બનાવી હતી.
મોહમ્મદ કૈફના તે કેચને કોઈ ક્રિકેટ ફેન નહીં ભૂલી શકે, જ્યારે તેઓએ ભારતને પાકિસ્તાન સામેની મેચમાં 5 રને જીત અપાવી હતી. કરાંચીમાં રમાયેલી એ વન-ડે મેચને ભૂલવી અઘરી છે. એ મેચમાં ઈંજમામ ઉલ હકે સદી ફટકારી હતી, પરંતુ દ્રવિડ સદી ફટકારવામાં થોડા માટે રહી ગયા હતા. તો પણ કૈફે એક કેચની મદદથી ભારતને જીત અપાવી હતી.