ધર્મશાલા: ન્યૂઝીલેન્ડ પ્રવાસે ટીમનો વ્હાઇટવૉશ થયા બાદ ભારતીય ટીમ ગુરૂવારે એટલે કે આજે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એશોશિએશન સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ વનડે મેચ રમવા ઉતરશે. બીજી તરફ સાઉથ આફ્રિકાએ ક્વિટન ડી કોકની કેપ્ટનશીપ હેઠળ છેલ્લી વનડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ભારતને આ સીરિઝમાં સ્ટાર બેટ્સેમન રોહિત શર્મા વિના જ મેદાન પર ઉતરવું પડશે. રોહિત શર્મા હાલમાં ઇજાગ્રસ્ત છે. રોહિતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી T-20 મેચમાં ઇજા પહોંચી હતી. ટીમમાં સ્ટાર પ્લેયરની કમીથી કેપ્ટન વિરાટ કોહલીની જવાબદારી વધી જશે.
રાહુલ અને શ્રેયસ ઐય્યર પર ફરી આશા
લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ફોર્મમાં રહ્યાં હતાં. હવે આ બંને બેટ્સેમેનને ફરી સારૂ પ્રદર્શન કરવાનો મોકો મળ્યો છે. રોહિતની ગેરહાજરીમાં પૃથ્વી શો અને શુભમન ગિલ બંનેમાંથી કોઇ એક બેટ્સેમેન શિખર ધવન સાથે ઓપનિંગ કરી શકે છે. ધવન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમનો ભાગ નહતો, પરંતુ આ સીરિઝમાં સારૂ પ્રદર્શન કરી T-20 વર્લ્ડકપમાં સ્થાન બનાવવાની કોશિશ કરશે.
જ્યારે હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર પણ કેટલાક લાંબા સમય બાદ ટીમમાં પરત ફરી રહ્યાં છે. હાર્દિકને ઇજાને કારણે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. 5 મહિના સુધી ટીમથી દૂર રહ્યા બાદ હવે સર્જરી સાથે હાલમાં ફીટ નજર આવી રહ્યો છે.