દુબઈ: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ICCની તાજેતરની વનડે રેન્કિંગમાં બેટ્સમેનની યાદીમાં ટોપના સ્થાને બિરાજમાન છે, જ્યારે બૉલરોની યાદીમાંથી જસપ્રીત બુમરાહને પોતાનો નંબર-1 ગુમાવવો પડ્યો છે.
કોહલીએ ન્યૂઝીલેન્ડમાં પૂર્ણ થયેલા ત્રણ મૅચની વનડે સીરિઝમાં માત્ર 75 રન બનાવ્યા હતાં. ભારતને ત્રણેય મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલી બાદ રોહિત શર્મા છે, જે ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝમાં રમ્યા નહોતા. વનડે સીરિઝમાં મેન ઑફ ધ સીરિઝ રહેલા રૉસ ટેલર એક સ્થાન ઉપર આવીને નંબર-4 પર આવી ગયા છે. ટોપ-10માં માત્ર 2 જ ભારતીય બેટ્સમેન છે.
બુમરાહે ગુમાવ્યું ટોપનું સ્થાન
ન્યૂઝીલેન્ડ વિરૂઘ વનડે સીરીઝમાં પ્રદર્શન
બૉલરોની યાદીમાં બુમરાહને પોતાના નંબર-1નો તાજ ગુમાવવો પડ્યો છે. બુમરાહ ત્રણ મૅચની સીરિઝમાં એક પણ વિકેટ લેવામાં સફળ નહોતા થયા અને તેનું પરિણામ ભારતને ભોગવવું પડ્યું હતું. તેમણે સીરિઝમાં કુલ 30 ઑવર ફેંકી હતી અને 167 રન આપ્યા હતા.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બૉલર ટ્રેંટ બોલ્ટે બુમરાહને હટાવીને નંબર-1નું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જ્યારે અફઘાનિસ્તાનના મુજીબ ત્રીજા અને દક્ષિણ આફ્રિકાના કગિસો રબાડા નંબર-4 પર આવી ગયા છે. ઑલરાઉન્ડરની યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રણ નંબર ઉપર આવીને 7મા સ્થાને પહોંચી ગયા છે. તેમણે સીરિઝમાં 63 રન બનાવ્યા હતા અને 2 વિકેટ પણ પ્રાપ્ત કરી હતી.