નવી દિલ્હીઃ IPLની ટીમ રાજસ્થાન રોયલ્સના ફીલ્ડિંગ કોચ દિશાંત યાગ્નિકને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. ફ્રેન્ચાઇઝીએ બુધવારે આ માહિતી આપી હતી.
રાજસ્થાન રોયલ્સની ટીમ આવતા અઠવાડિયે મુંબઇમાં એકત્રીત થવાની હતી, જ્યાથી ટીમ સંયુક્ત આરબ અમીરાત (યૂએઇ) જવા રવાના થવાની હતી. ત્યારે હાલ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ફિલ્ડિંગ કોચ દિશાંત યાગ્નિકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યુએઇમાં 19 સ્પટેમ્બરથી 10 નવેમ્બર સુધીમાં IPL રમાશે.
કોચ દિશાંત યાગ્નિક હાલ પોતાના ઘરે ઉદયપુરમાં છે. તેમને હોસ્પિટલમાં દાખલ થવાની તેમજ 14 દિવસ સુધી કોરોન્ટાઇન થવાની સલાહ આપવામાં આવી છે.
ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું કે BCCIના નિયમ મુજબ 14 દિવસ પછી દિશાંતના વધુ બે વખત કોવિડ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં જો તેમના બંને રિપોર્ટ નેગેટિવ આવશે તો, ત્યારબાદ તેઓ ટીમ સાથે જોડાશે. જોકે તે પહેલા તેમણે યુએઇમાં 6 દિવસ આઇસોલેશનમાં રહેવું પડશે અને ત્રીજો ટેસ્ટ જ્યા સુધી નેગેટિવ ના આવે ત્યા સુધી રાહ જોવી પડશે.
ફ્રેન્ચાઇઝીએ અપીલ કરતા કહ્યું કે, છેલ્લા 10 દિવસ દરમિયાન જે લોકો યાગ્નિકના સંપર્કમાં આવ્યાં છે, તેઓ કોવિડ-19નો ટેસ્ટ કરાવે અને તેઓને આઇસોલેશનમાં રહેવા પણ જણાવ્યું છે.
ફ્રેન્ચાઇઝીએ વધુમાં જણાવ્યું કે અમે તે વાતની પુષ્ટિ કરીએ છીએ કે રાજસ્થાન રોયલ્સ અને IPLની બીજી કોઇપણ ફ્રેન્ચાઇઝીના કોઇપણ ખેલાડી છેલ્લા 10 દિવસમાં યાગ્નિકના સંપર્કમાં તો નથી આવ્યાં ને, અમે ઉમ્મીદ કરીએ છીએ કે તેઓ જલ્દી જ સ્વસ્થ થઇને યુએઇમાં અમારી ટીમ સાથે જોડાય.
દિશાંત યાગ્નિકે ટ્વીટ કરીને કહ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લાં 10 દિવસોમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવે, BCCIના નિયમ મુજબ હવે મારે 14 દિવસ સુધી કોરોન્ટાઇન થવુ પડશે. તેમજ તેમણે વધુમાં કહ્યું કે યૂએઇમાં રાજસ્થાન રોયલ્સ ટીમની સાથે જોડાતા પહેલા બે વખત મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી છે.