ન્યૂ દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ એક ટ્વિટ કરીને જાહેરાત કરી કે, ટીમ ઈન્ડિયા કોવિડ-19 મહામારીના કારણે ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે નહીં.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારાબાદ હવે ઝિમ્બાબ્વે પ્રવાસ રદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
નક્કી થયેલા શેડ્યૂલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમ 24 જૂનથી 3 વન-ડે અને 3 T-20 મેચ સીરીઝ માટે શ્રીલંકાના પ્રવાસે જવાની હતી અને ત્યારબાદ 22 ઓગસ્ટથી 3 વન-ડે મેચ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની હતી, પરંતુ તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બન્ને સીરીઝ રદ કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 17મે ના રોજ પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે, 'BCCI પોતાના ખેલાડીઓ માટે શિબિરનું આયોજન ત્યારે જ કરશે, જ્યારે એના માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત બનશે. BCCI આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ ક્રિકેટને ફરી શરૂ કરવાની દિશામાં પગલું ભરવા માટે દ્રઢ છે, પરંતુ ઉતાવળમાં કોઈ એવો નિર્ણય પણ નહીં કરે કે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસોને મુશ્કેલીમાં નાખે'.
જો કે, BCCIના કોષાધ્યક્ષ અરૂણ ધૂમલે પણ કહ્યું હતું કે, જૂન-જુલાઈનો પ્રવાસ શક્ય નથી અને અમે શ્રીલંકાઈ બોર્ડ(SLC)ને જણાવ્યું છે.